અમેરિકામાં ૧૨થી ૧૫ વર્ષના બાળકોને પણ અપાશે રસી

 

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના રસીની અછત વચ્ચે અમેરિકામાં ૧૨થી ૧પ વર્ષના બાળકોને ફાઈઝરની વેક્સિન લગાવવાની તૈયારી થઈ ચૂકી છે. માધ્યમિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને  વર્ગખંડોમાં મોકલવા પૂર્વે સુરક્ષા કવચ આપવાના ઉદ્દેશ સાથે રસીકરણ શરૂ થશે. ભારતમાં કોવિડને પગલે મોટા ભાગની પરીક્ષાઓ ટાળવામાં આવી છે પણ બારમા ધોરણની કસોટીની તારીખ મુલતવી રહી છે ત્યારે અહીં પણ બોર્ડના છાત્રોને કોરોના રસી અપાશે કે કેમ એ સવાલ છે. ફાઈઝર બાયોએનટેકની રસી ટ્રાયલમાં અસરકારક રહી છે અને કેનેડામાં પણ તેને મંજૂરી મળી ચૂકી છે. અમેરિકામાં ૧૬ વર્ષથી વધુ વયના લોકોને તે અપાઈ રહી છે અને હવે દેશના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તેને બાળકોને આપવા માટે બહાલી આપી છે. જો કે, હજી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (સીડીસી)ના નિષ્ણાતોની એક સમિતિ તેની તપાસ કરશે અને પછી અંતિમ મંજૂરી આપવામાં આવશે. ક્લિનિકલ ટ્રાયલમાં ૧૨થી૧પ વર્ષના ૨૨૬૦ બાળકને રસી અપાઈ હતી અને તે અસરકારક હોવાનું બહાર આવ્યું હતું. ફાઈઝર અને બાયોએનટેકે માર્ચ મહિનામાં પાંચથી ૧૧ વર્ષના બાળકો પર પણ ટ્રાયલ કર્યા હતા અને સપ્ટેમ્બરમાં તે આ વયજૂથના બાળકોને રસી આપવાની મંજૂરી માગશે