અમેરિકામાં સૌપ્રથમ વાર ન્યુ જર્સીમાં આયોજિત બંધન વેડિંગ એકસ્પો

અમેરિકામાં ન્યુ જર્સીમાં બંધન સેલિબ્રેશન્સ (યુએસએ) અને હિતેશ ઇનોવેટિવ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત બંધન વેડિંગ એક્સ્પો વિશે અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં હિતેશભાઈ ઠક્કર સહિત અગ્રણીઓ. આ પ્રસંગે એક્સ્પોની માર્ગદર્શિકાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. (ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)

અમદાવાદઃ બંધન સેલિબ્રેશન્સ (અમેરિકા) અને હિતેશ ઇનોવેટિવ સોલ્યુશન્સ પ્રા. લિ.ના સંયુક્ત ઉપક્રમે ન્યુ જર્સી (યુએસએ)માં 22-23 સપ્ટેમ્બર (શનિ-રવિ)ના રોજ બંધન વેડિંગ એક્સ્પોનું આયોજન કરાયું છે. બંધન સેલિબ્રેશન્સ (અમેરિકા)ના ગોવિંદભાઈ પટેલ અને હિતેશ ઠક્કરે કહ્યું કે અમેરિકાના ગુજરાતી સમુદાય અને ભારતના લોકોની લગ્નવિષયક વિવિધ જરૂરિયાતો અને લગ્નપ્રસંગને યાદગાર બનાવવાના ઉમળકાને સહયોગ આપવાના હેતુથી અમેરિકાની ભૂમિ પર લગ્નવિષયક પ્રદર્શનનું આયોજન કરાયું છે. આ પ્રદર્શનમાં લગ્નપ્રસંગ સાથે સંકળાયેલા વિવિધ એકમો, જેવા કે વસ્ત્રપરિધાન, જ્વેલરી, ઘરેણાં, પાર્ટી-પ્લોટ્સ, ગીત-સંગીત, બ્યુટિક, મેંદી-ટેટૂ આર્ટિસ્ટ, ફ્લાવર્સ આર્ટિસ્ટ, ડેકોરેટર્સ, કેટરર્સ, ફોટોગ્રાફર, વિડિયોગ્રાફર, પરંપરાગત વસ્ત્રો, બ્રાઇડલ-વેર અને કોસ્ટમેટિક્સ, કંકોતરી-કાર્ડ, હેન્ડિક્રાફટ્સ ભાગ લઈ રહ્યા છે.
અમેરિકામાં વસતા 17-18 લાખ ગુજરાતીઓ આજે પણ લગ્નવિષયક બાબતમાં ગુજરાત સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. ન્યુ જર્સીમાં વસતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ પટેલનું વિઝન અને મિશન છે કે લગ્ન અંગેની અમેરિકા અને ગુજરાતની વિવિધ એજન્સીઓનું સંયોજન થાય, તેઓ એકબીજાની નજીક આવે અને સાથે મળીને ગુજરાતીઓનાં, અમેરિકા કે ગુજરાતની ભૂમિ પર યોજાતાં લગ્નોને યાદગાર બનાવે. આ પ્રદર્શનની ભારતની જવાબદારીનું વહન કરી રહેલા હિતેશ ઠક્કર ઇન્ટરનેશન લોહાણા સંસ્થાના સ્થાપક છે અને આ પહેલાં અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય એનઆરઆઇનું સંમેલન કર્યું છે. આ ઉપક્રમને ગ્લોબલ ગુજરાતી ફેડરેશનનું સમર્થન પ્રાપ્ત થયું છે.