અમેરિકામાં શ્રેષ્ઠ સંશોધનપત્રનો એવોર્ડ મેળવતા ચરોતરના ડો. રીકી પટેલ

0
899

અમેરિકામાં 2015માં બેસ્ટ રિસર્ચ પેપરનો એવોર્ડ ચરોતરના
(જમણે) રીકી પટેલને એનાયત કરવામાં આવ્યો હતો.

આણંદઃ હાલમાં ગ્રામીણ શિક્ષણનું સ્તર કથળતું જાય છે અને શહેરી વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધતો જાય છે ત્યારે ગામડામાં વસતા અને ગામડાની જ સ્કૂલમાં અભ્યાસ કરીને ઉજ્જવળ કારકિર્દી ઘડનાર, 26 વર્ષના એક યુવાને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન રિસર્ચર સુધીની અમેરિકા સુધીની સફર કરી છે.
ચરોતરના ડેમોલ ગામના રહેવાસી રીકીકુમાર હસમુખભાઈ પટેલે મૂળ ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં શિક્ષણ લીધું. તેમણે ધોરણ એકથી દસ સુધી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ચરોતરના સુણાવ, ચાંગા અને ડેમોલ એમ ત્રણ ગામડાંઓમાં લીધું હતું. આ પછી ધોરણ 11 અને 12 ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વલ્લભ વિદ્યાનગરની બીએપીએસ સ્કૂલમાં લીધું અને સંસ્કારનું સિંચન એપીસી છાત્રાલયમાં થયું. ત્યાર પછી ચારુસેટમાં સન 2009માં બી. ટેક.માં એડમિશન લીધું અને 2015માં ડિગ્રી મેળવી. 2013થી 2015 દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી સાથે એમ. ટેક. કર્યું.
ઉલ્લેખનીય છે કે રીકી પટેલને આજીવન ટ્યુશનની ક્યારેય જરૂર પડી નથી. ટ્યુશન રાખ્યા વગર જ તેમણે પોતાની શૈક્ષણિક કારકિર્દી ઘડી છે અને અમેરિકા સુધીની સફર કરી છે તે તેમની અનોખી સિદ્ધિ ગણી શકાય. તેઓ સતત અભ્યાસમાં ફર્સ્ટ ક્લાસ સાથે આગળ વધ્યા છે. બાળપણથી અને જ્યારે સમય મળે ત્યારે સંસ્કારસિંચનનાં પુસ્તકોનું વાંચન કરતા રીકી પટેલ હાલમાં પણ નિયમિતપણે પૂજાપાઠ કરે છે.
રીકી પટેલને અમેરિકામાં બે વાર રિસર્ચ પેપર રજૂ કરવાની તક મળી હતી. તેમની પીએચ.ડી. અંતર્ગત કરાયેલાં રિસર્ચના આધારે તૈયાર કરાયેલા રિસર્ચ પેપરની યુએસએસ્થિત ઇન્ટરનેશનલ વર્લ્ડ એકેડેમી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા બે વાર પસંદગી કરવામાં આવી હતી. તેઓ 2015 અને 2017માં અમેરિકાના શૈક્ષણિક પ્રવાસે ગયા. 2015માં અને 2017 દરમિયાન યુએસએમાં શ્રેષ્ઠ સંશોધનપત્રનો એક્સેલન્સ એવોર્ડ મેળવ્યો. પીએચ.ડી. માટેના રિસર્ચ વર્ક દરમિયાન બે વાર તેમને પ્રેઝન્ટેશન માટે અમેરિકા જવાની તક મળી હતી. તેઓ એક-એક માસ અમેરિકામાં સંશોધનપત્ર પ્રેઝન્ટેશન કરવા માટે ગયા હતા.
રીકી પટેલનાં જર્નલોમાં નેશનલ-ઇન્ટરનેશનલ 15થી વધારે રિસર્ચ પેપર પ્રકાશિત થયા છે. 2015માં ન્યુ યોર્કમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર્સ એન્ડ રિસર્ચ દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન રિસન્ટ ઇનોવેશન્સ ઇન એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાં રજૂ થયેલા તમામ પેપરોમાં બેસ્ટ પેપરનો એવોર્ડ રીકી પટેલને પ્રદાન થયો હતો, જેનો વિષય ‘ઇલેક્ટ્રિકલી સ્મોલ એન્ટેના એપ્લિકેશન’ હતો, જ્યારે 2017માં અમેરિકાના ફિલાડેલ્ફિયામાં વર્લ્ડ એકેડેમી ઓફ સાયન્સ, એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી દ્વારા આયોજિત કોન્ફરન્સમાં ‘સ્મોલ એન્ટેના એપ્લિકેશન’ વિશે રિસર્ચ પેપર રજૂ કર્યું હતું.
તેમણે 2015થી 2018 દરમિયાન ચાંગાની ચારુસેટ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.માં એડમિશન લીધું અને જૂન, 2018માં એક માસ અગાઉ જ પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ચારુસેટમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન વિભાગના વડા ડો. તૃષિત ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ તેમણે ‘કોમ્પેક્ટ એન્ટેના ડિઝાઇનિગ ફોર વાયરલેસ એપ્લિકેશન’ વિષય પર રિસર્ચ કરીને પીએચ.ડી.ની પદવી મેળવી હતી. તેમના પિતા હસમુખભાઈ પટેલ કહે છે, ફક્ત ત્રણ જ વર્ષમાં, 26 વર્ષની વયે પીએચ.ડી.ની ડિગ્રી મેળવનાર રીકી ગુજરાતમાં ઇજનેરી ક્ષેત્રે સૌથી યુવાન છે કારણ કે ફક્ત ત્રણ જ વર્ષમાં એન્જિનિયિરિંગમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે. હાલમાં તેઓ ચારુસેટ યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં 2016થી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે.
તેમની ભાવિ યોજના અમેરિકામાં સ્થાયી થવાની અને સામાજિક યોગદાન આપવાની છે. આ ઉપરાંત કારકિર્દીના ઘડતર માટે અને વધુ અભ્યાસ માટે પોસ્ટ ડોક્ટરેટ કરવાની પણ તેમની ઇચ્છા છે.