અમેરિકામાં વધુ એક ગુજરાતી નવનીતભાઈ પટેલની હત્યા

મહેસાણાઃ મહેસાણાના કડી તાલુકાના ભટાસણ ગામના ૪૮ વર્ષના નવનીતભાઈ મણિભાઈ પટેલ ઘણા સમયથી અમેરિકામાં પત્ની તથા પુત્ર સાથે રહેતા હતા. વોર્નર રોબિન્સ પોલીસ વિભાગ દ્વારા મીડિયાને આપેલી વિગતો પ્રમાણે, અમેરિકાના જ્યોર્જિયા ખાતે તેમની હત્યાની ઘટના બની હતી. જોટાણા તાલુકાના ભટાસણ ગામના નવનીતભાઈ (ભીખાભાઈ) મણિલાલ પટેલ છેલ્લાં ૧૩ વર્ષથી અમેરિકાના જ્યોર્જિયાના વોર્નર રોબિન્સ સિટીમાં રહેતા હતા. રવિવારે ૭૦૦ રશેલ પાર્કવે ખાતેની એક્સપ્રેસ શોપ પર સાંજે ૫ઃ૩૦ કલાકની આસપાસ ફાયરિંગની ઘટના બનતાં પોલીસને બોલાવવામાં આવી હતી. હત્યારાઓ લૂંટ કરવા આવ્યા હતા ને લૂંટ દરમિયાન સ્ટોરમાં કામ કરતા કર્મીને ગોળી વાગી હતી. તેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવમાં અન્ય કર્મચારીઓનો બચાવ થયો હતો. ઘટનાને પગલે તેમની સાથે અમેરિકામાં રહેતાં તેમનાં પત્ની ને પુત્રનાં માથે આભ તૂટ્યું હતું. આ દુર્ઘટનાની જાણ ભટાસણા ગામમાં થતાં ત્યાં પણ શોકનો માહોલ સર્જાયો હતો.