અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીઃ ડેમોક્રેટ નેતાએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ગણાવ્યા ‘જુઠ્ઠા’

ઓહિયોઃ અમેરિકામાં જેમ જેમ રાષ્ટ્રપતિ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન વચ્ચે તણખા ઝરી રહ્યા છે. ટ્રમ્પ રિપબ્લિકન અને બિડેન ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. અત્રે જણાવવાનું કે અમેરિકામાં ૩ નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી છે. જેમાં ૭૭ વર્ષના બિડેનનો મુકાબલો ૭૪ વર્ષના ટ્રમ્પ સામે છે. રાષ્ટ્રીય ઓપિનિયન પોલ મુજબ તેમાં બિડેનને ટ્રમ્પ પર લીડ મળેલી છે. 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન મંગળવારે પોતાની પહેલી ચૂંટણી ચર્ચામાં સામેલ થયા. જેમાં બનેએ એક બીજા પર આક્રમક પ્રહારો કર્યા. ચર્ચાની શરૂઆત ખુબ જ તીખી રહી અને બિડેને ટ્રમ્પને જુઠ્ઠા કહીને મોઢું બંધ રાખવાની સલાહ આપી. ઓહિયોમાં થયેલી આ ચર્ચામાં બિડેને ટ્રમ્પને વિદૂષક પણ કહ્યા. બિડેનની આ ટિપ્પણી બરાબર એ ક્ષણ બાદ આવી જ્યારે ટ્રમ્પને પર્યવેક્ષકે વચ્ચે હસ્તક્ષેપ ન કરવા માટે ટોક્યા હતાં. 

ચર્ચા દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ટિપ્પણી કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ પર આક્રમક પ્રહાર કરતા બિડેને કહ્યું કે ટ્રમ્પને કોરોના વાઇરસના સંક્રમણને રોકવાની જગ્યાએ અર્થવ્યવસ્થા અને સ્ટોક માર્કેટની ચિંતા હતી. 

ટ્રમ્પે આ આરોપો ફગાવતા કહ્યું કે તેમણે અમેરિકાની જનતાને કશું ખોટું કહ્યું નથી. બિડેન પર પલટવાર કરતા ટ્રમ્પે કહ્યું કે તમારા વિશે તો કંઈ પણ સારું નથી. તમે ૪૭ વર્ષમાં કશું જ કર્યું નથી. કોવિડ પ્રોટોકોલનું  અને કોરોના વાઇરસના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા ચર્ચામાં સામેલ થતા પહેલા બંનેએ હાથ પણ મિલાવ્યા નહતાં. 

પ્રેસિડેન્શિયલ ડિબેટ બાદ ફટાફટ થયેલા સર્વેક્ષણમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જો બિડેનથી પાછળ જોવા મળ્યા. સીબીએસ ન્યૂઝ સર્વક્ષણમાં ૪૮ ટકા લોકોએ કહ્યું કે બિડેને જીત મેળવી જ્યારે ૪૧ ટકા લોકોએ કહ્યું કે ટ્રમ્પ ચર્ચામાં આગળ હતાં. આ સર્વેક્ષણમાં ૧૦માંથી ૮ લોકોએ કહ્યું કે આખી ચર્ચા નેગેટિવ હતી.