અમેરિકામાં ફુગાવો ત્રણ દાયકાની ટોચે પહોંચ્યો

 

વોશિંગ્ટનઃ અમેરિકામાં ફુગાવો ડિસેમ્બરમાં વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનાએ વધીને ત્રણ દાયકાની ટોચ સાત ટકાએ પહોંચ્યો છે. ફૂડ, ગેસ, ભાડાં અને અન્ય જરૂરિયાતોના ભાવમાં થયેલા વધારાના લીધે અમેરિકાના કુટુંબોના ખર્ચમાં વધારો થયો છે.

કોરોનાની મહામારી પછી આવેલી રિકવરીના લીધે અમેરિકનોએ કાર, ફર્નિચર અને એપ્લાયન્સીસ પાછળના ખર્ચમાં વધારો કરતા ફુગાવામાં આ વધારો નોંધાયો છે. આ ઉપરાંત સેમી કંડક્ટર અને અન્ય પાર્ટ્સની અછતે પણ ભાવવૃદ્ધિમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. 

ગેસના ભાવમાં પણ વધારો થયો છે. આ ભાવવધારાએ અમેરિકનોને મળેલા પગારવધારાને શોષી લીધો છે. તેમા પણ ખાસ કરીને નીચી આવક ધરાવતા જૂથમાં આવતા લોકોને હવે મૂળભૂત કે જરૂરિયાતના ખર્ચા જ પોષાઈ શકે છે. 

અમેરિકનોની હાલમાં મુખ્ય ચિંતા કોરોના છે, પણ હવે ધીમે-ધીમે ફુગાવો તેનું સ્થાન લઈ રહ્યો છે. તેના લીધે પ્રેસિડેન્ટ બિડેન અને કોંગ્રેસનલ ડેમોક્રેટ્સ સામે રાજકીય પડકાર સર્જાયો છે. મંગળવારે ચેર જેરોમ પોવેલે કોંગ્રેસને જણાવ્યું હતું કે જો ઊંચા ફુગાવાને અંકુશમાં રાખવા વ્યાજના દર વધારવા પડયા તો તેઓ તેના માટે તૈયાર છે. ફેડ રિઝર્વના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ આ વર્ષે લગભગ શૂન્યની નજીક પહોંચી ગયેલા રેટને વધારી શકે છે. કેટલાય અર્થશાસ્ત્રીઓને લાગે છે કે ફેડ ૨૦૨૨માં ચાર વખત વ્યાજદર વધારી શકે છે. દરમાં વધારો થવાના લીધે હોમ, ઓટો અને એપ્લાયન્સી તથા બિઝનેસ લોન મોંઘી થશે. તેના લીધે અર્થતંત્ર ધીમુ પડી શકે છે. ફેડ અત્યંત ઝડપથી માસિક બોન્ડ ખરીદીનો કાર્યક્રમ બંધ કરી રહી છે. તેના લીધે લાંબાગાળાના વ્યાજદરમાં ઘટાડો થતાં ઋણ લેવાને અને ખર્ચ કરવાને પ્રોત્સાહન મળ્યું હતું