અમેરિકામાં પણ કોરોના વેક્સિન લગાવવાનું શરૂ, ન્યુ યોર્કમાં  નર્સને મળ્યો પ્રથમ ડોઝ

 

વોશિંગ્ટનઃ કોરોના વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકામાં સોમવારથી વેક્સિન લગાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેને અમેરિકી ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું રસીકરણ અભિયાન ગણાવવામાં આવી રહ્યું છે. ફાઇઝર-બાયોએનટેકની કોરોના વાઇરસ વેક્સિનનો ડોઝ સૌથી પહેલા અમેરિકી સ્વાસ્થ્યકર્મીઓને આપવામાં આવી રહ્યો છે. મહત્ત્વનું છે કે કોરોના વાઇરસથી અમેરિકામાં અત્યાર સુધી ત્રણ લાખ લોકોના મોત થયા છે. સંક્રમિત દેશોના મામલામાં પણ અમેરિકા વિશ્વમાં પ્રથમ સ્થાને છે. 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી કહ્યું કે, પ્રથમ વેક્સિન લગાવવામાં આવી. અમેરિકાને શુભેચ્છા, વિશ્વને શુભકામના. ન્યુ યોર્ક સિટીમાં એક અશ્વેત સેન્ડ્રા લિન્ડ્સે નર્સને સોમવારે સવારે ફાઇઝર-બાયોએનટેકનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આગામી વર્ષે એપ્રિલ સુધી અમેરિકાના લગભગ ૧૦ કરોડ લોકોને વેક્સિનનો ડોઝ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 

ન્યુ યોર્કના લોન્ગ આઇલેન્ડ જેવિશ મેડિકલ સેન્ટરમાં આઈસીયુના નર્સ સૈન્ડ્રા લિંડસેએ કહ્યું કે, આજે મને આશા નજર આવી રહી છે. રાજ્યના ગવર્નર એન્ડ્રયૂ ક્યૂમોએ લાઇવસ્ટ્રીમથી રસીકરણ અભિયાન પર નજર રાખી હતી. અમેરિકાની મોટાભાગની હોસ્પિટલોમાં વેક્સિન પહોંચાડવાનું કામ જારી છે. ફાઇઝરના સીઈઓ અલ્બર્ટ બૌરલાએ કહ્યું કે, રસી લેનારા પહેલા કેટલાક લોકોમાં તે સામેલ થશે. તેમણે કહ્યું કે, જો રસી બનાવનાર કંપનીના સીઈઓ તેને લગાવશે તો લોકોમાં વિશ્વાસ વધશે. મિશિગનમાં ફાઇઝરના પ્લાન્ટથી રવિવારે કોવિડ-૧૯ રસીની પ્રથમ ખેપની એક ટ્રક નીકળી હતી. અમેરિકી ઔષધિ નિયામકે રસીના ઉપયોગની શુક્રવારે મંજૂરી આપી હતી. આગામી સપ્તાહ સુધી કુલ ૬૩૬ હોસ્પિટલો અને ક્લિનિકોમાં રસીના ડોઝ પહોંચાડી દેવામાં આવશે