અમેરિકામાં જુલાઇના છેલ્લા બે અઠવાડિયામાં ૯૭,૦૦૦ બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો

 

વોશિંગટનઃ અમેરિકા કોરોના વાઇરસના કારણે સૌથી પ્રભાવિત દેશોમાંથી એક છે. ત્યારે હવે અમેરિકાથી બીજા ચિંતાજનક સમાચાર આવી રહ્યાં છે. અમેરિકામાં જુલાઇના છેલ્લાં બે અઠવાડિયાની અંદર ૯૭,૦૦૦ બાળકો કોરોના વાઇરસની ઝપેટમાં આવ્યા છે. અમેરિકાની બાળરોગ એકેડમી અને ચિલ્ડ્રન હોસ્પિટલ એસોસિએશન દ્વારા આ માહિતી આપવામાં આવી છે. એસોસિએશન દ્વારા રાજ્ય સ્તરનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે. જેનાથી સામે આવ્યું છે આ ૯૭,૦૦૦ કેસથી અમેરિકામાં કોરોનાના કુલ કેસમાં ૪૦ ટકાનો વધારો થયો છે. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકામાં શાળાઓના ખુલવા પર વિચાર થઇ રહ્યો હતો. અમેરિકામાં દેશભરની શાળાઓ સુરક્ષિત રીતે કઇ રીતે અને ક્યારથી ખોલી શકાય તે અંગે વિચારણા ચાલતી હતી. તેવામાં આ રિપોર્ટ આવતા ચિંતામાં વધારો થયો છે. કોરોના વાઇરસના ફેલાવાની શરૂઆતથી લઇને આજ સુધી અમેરિકામાં ૩,૪૦,૦૦૦ હજાર બાળકોને ચેપ લાગ્યો છે. જે દેશના કુલ કોરોના કેસના નવ ટકા છે. અમેરિકામાં મિસૌરી, ઓક્લાહોમા, જ્યોર્જિયા, ફ્લોરિડા, મોંટાના અને અલાસ્કાની અંદર બાળકોમાં કોરોનાનો ચેપ ઝડપથી ફેલાઇ રહ્યો છે.