અમેરિકામાં કોરોના વાઇરસથી ન્યુ યોર્કમાં જ આટલા બધા મોત શા માટે? 

 

ન્યુ યોર્કઃ અમેરિકાના ન્યુ યોર્ક રાજ્યમાં કોવિડ-૧૯થી મોતનાં અને તેના વાઇરસના ચેપના કન્ફર્મ્ડ કેસોના જે આંકડા છે તે વિશ્વના ઘણા બધા દેશોના આંકડા કરતા પણ વધારે છે અને સ્વાભાવિક જ કોઇને પ્રશ્ન થાય કે ન્યુ યોર્કમાં જ આટલા બધા કેસ અને મૃત્યુ કેમ? ત્યારે ન્યુ યોર્કના ગવર્નર એન્ડ્રયુ કુઓમો આના માટે ખાસ કરીને ન્યુ યોર્કની વસ્તી ગીચતા અને ન્યુ યોર્ક શહેરમાં વિશ્વભરમાંથી ઠલવાતા લોકોના પરિબળોને જવાબદાર ગણે છે. 

ન્યુ યોર્ક સ્ટેટમાં ન્યુ યોર્ક શહેર આવેલું છે અને તે વિશ્વનું અગ્રણી વ્યાપારી મહાનગર છે. આ મહાનગરથી વસ્તી લગભગ ૮૬ લાખ જેટલી છે એટલે કે દર ચોરસ કિલોમીટરે ૧૦૦૦૦ લોકોની વસ્તી છે અને આ સાથે તે અમેરિકાનું સૌથી વધુ વસ્તી ગીચતાવાળું શહેર બને છે. વળી આ શહેરમાં વિશ્વભરમાંથી પ્રવાસીઓ તો આવતા જ રહે છે. સામાન્ય રીતે ન્યુ યોર્ક શહેરમાં વરસે દહાડે ૬ કરોડ જેટલા પ્રવાસીઓ અને પર્યટકો આવતા રહે છે અને ઘણા લોકો માટે તો આ અમેરિકાનું પ્રવેશદ્વાર છે. 

અત્યારે ન્યુ યોર્ક ભલે બંધ કરી દેવાયું હોય પણ મોટા પ્રમાણમાં ઠલવાયેલા પ્રવાસીઓ આ વાઇરસ લઇને અહીં ઘણાને ચેપ લગાડી ગયા છે એમ માનવમાં આવે છે. યુરોપમાંથી જ અહીં સૌથી વધુ ચેપ આવ્યા હોવાનું માનવામાં આવે છે. વળી, આખે આખું ન્યુ યોર્ક શહેર ધનવાન જ છે એમ માની લેવાની જરૂર નથી. અન્ય ઘણા દેશોના શહેરોની માફક આ શહેરમાં પણ ગરીબ અને ગીચ લત્તાઓ છે જ. બ્રોન્ક્સ અને ક્વિન્સ જેવા લત્તાઓ આવા જ લત્તાઓ છે જ્યાં આરોગ્ય જાળવણીના અભાવમાં લોકો જીવે છે અને આ જ વિસ્તારોમાં સૌથી વધુ ચેપના કેસો છે