અમેરિકામાં કોરોનાના દૈનિક કેસોમાં ફરી ઉછાળોઃ બે મહિનાની ઊંચી સપાટીએ

 

વોશિંગ્ટનઃ વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર સંપૂર્ણ વિશ્વમાં જોવા મળી રહ્યો છે. એવામાં અમેરિકામાં કોવિડ-૧૯ના કેસોમાં ફરીથી ઉછાળો આવ્યો છે અને ૬૩,૦૦૦ નવા કેસોની સાથે અમેરિકામાં કુલ કેસોની સંખ્યા ૮૦ લાખ થવાની નજીક છે. ગુરુવારના આંકડા પ્રમાણે આખા અમેરિકામાં બુધવારનાં દિવસે ૬૩,૦૦૦ કરતા વધારે નવા કેસો નોંધાયા હતા, દૈનિક કેસોનો આટલો ઊંચો આંકડો મધ્ય ઓગસ્ટ પછી પ્રથમ વાર દેખાયો છે. નવા કેસો અને લોકોનું મોટા પ્રમાણમાં હોસ્પિટલોમાં દાખલ થવાનું મોટેભાગે મિડવેસ્ટમાં વધારે છે. 

આ મહિનામાં જ પચ્ચીસ રાજ્યોએ કેસોમાં વધારાના અત્યાર સુધીના વિક્રમ રચ્યા છે. મોટાભાગના કેસો મિડવેસ્ટર્ન રાજ્યોમાંથી આવી રહ્યા છે જ્યાં હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો પણ વધી રહ્યો છે. જો કે દેશભરમાં મૃત્યુનો આંક ઘટ્યો છે અને આમ છતાં દરરોજ ૭૦૦ કરતા વધુ અમેરિકનો મૃત્યુ પામી રહ્યા છે. જો કે હવે કેસો વધતા થોડા સમય પછી મૃત્યુઆંક વધવાનો પણ ભય સેવાય છે. 

વિસ્કોન્સીન અને સાઉથ ડેકોટોમાં છેલ્લા ચાર સપ્તાહમાં નવા ચેપોની સંખ્યા બમણી થઇ ગઇ છે જયારે વિસ્કોન્સીનમાં હોસ્પિટલાઇઝેશનનું પ્રમાણ પણ વધ્યું છે જ્યાં હોસ્પિટલોમાં કેટલાક પ્રદેશોમાં તો ૯૦ ટકા આઇસીયુ બેડ રોકાઇ ગયા છે. છેલ્લા કેટલાક દિવસમાં વિસ્કોન્સીન અમેરિકાનું નવું હોટસ્પોટ બન્યું છે. જ્યાં છ સપ્તાહમાં મૃત્યુનું પ્રમાણ પણ ત્રણ ગણું થઇ ગયું છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકા વિશ્વમાં કોરોના વાઇરસથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે જ્યાં કેસોની સંખ્યા ૮૦ લાખ થવાની તૈયારી છે. આપને જણાવી દઈએ કે વિશ્વમાં કોરોનાના કુલ ૩,૯૫,૯૬,૪૫૧ કેસો નોંધાયા છે જ્યારે ૨,૯૬,૬૧,૪૧૯ દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે તો ૧૧ લાખથી વધુ દર્દીઓ કોરોનાનો ભોગ બન્યા છે. 

વાત કરીએ અમેરિકાની તો વિશ્વમાં સૌથી વધુ ૮૨,૮૮,૨૭૮ કોરોના કેસો છે, જ્યારે ૫૩,૯૫,૦૦૦થી વધુ દર્દીઓ રિકવર થઈ ચૂક્યા છે તો ૨,૨૩,૬૪૪ દર્દીઓ કોરોનાનો ભોગ બન્યા છે. વિશ્વમાં સૌથી વધુ કોરોના કેસ અને મોતને મામલે અમેરિકા પ્રથમ અને ભારત બીજા ક્રમે છે, પરંતુ કોરોનાથી રિકવર થનાર દર્દીઓને મામલે ભારત વિશ્વમાં ટોચ પર છે