અમેરિકામાં એચ-4 વિઝાધારકોના કામ કરવાના અધિકાર ચાલુ રાખવા અંગે રજૂઆત

0
963
એચ-1બી અને એચ-4 તેમ જ એચ-4 ઇએડી સહિત ભારતીય હાઈ-સ્કિલ્ડ વિઝાધારકોએ પોતાના વિવિધ મુદ્દાઓ સાથે વિરોધપ્રદર્શન કર્યાં હતાં.

વોશિંગ્ટન ડીસીઃ યુએસ લીગલ ઇમિગ્રેશન સિસ્ટમમાં નવા ફેરફારો લાવવા માટે એક્ઝિક્યુટિવ બ્રાન્ચ આયોજન કરી રહી છે, જેમાં એચ-1બી વિઝા પ્રોગ્રામ અને એચ-4 જીવનસાથી માટે વર્ક પરમિટનો પણ સમાવેશ થાય છે. આ ફેરફારો કોંગ્રેસની રાહ જોયા વગર કરવાનું આયોજન છે. આ બદલાવો હજારોની સંખ્યામાં વસતા ભારતીય વસાહતી સમુદાય પર અસર કરી શકે છે. ઇમિગ્રેશન નિયમોમાં આવનારા આ મુખ્ય બદલાવો ભારતીય અને સાઉથ એશિયનો પર અસર કરી શકે છે.
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઇએસ) દ્વારા સ્કિલ્ડ વિદેશી કામગારો માટે એચ-1બી વિઝા મેળવવા માટેના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે, જેને ‘કોમ્પ્યુટર પ્રોગ્રામર’ તરીકે ઓળખવામાં આવે છે. આ વિઝાની વધુ અરજીઓ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. અરજીકર્તાઓની વધુ માહિતી મેળવવા માટેની માગમાં વધારો કરાયો છે.
અમેરિકામાં એચ-1બી વિઝા ધરાવતા વસાહતીઓના એચ-4 વિઝાધારક જીવનસાથીને 2015માં તત્કાલીન અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ કામ કરવાનો અધિકાર આપ્યો હતો. આથી એચ-4 વિઝા ધરાવતા 70 હજાર કર્મચારીઓ અમેરિકામાં વસે છે, જેમાંથી 93 ટકા કર્મચારીઓ તો ભારતના છે, અને તેમાં પણ મોટા ભાગની મહિલાઓ છે. લગભગ એક લાખ એચ-1બી કામદારોના જીવનસાથી છે, જેમાં મોટા ભાગની ભારતીય મહિલાઓનો સમાવેશ થાય છે, જેમની લાંબા ગાળાની યોજનાઓ આ બદલાવના કારણે ભાંગી પડવાની સંભાવના છે.

આઠમી ફેબ્રુઆરીએ ગ્રીનકાર્ડ બેકલોગમાં અટવાયેલા એચ-4 ઇએડી વિઝાધારકો અને બાળકો (એચ-4 ડ્રીમર્સ) ન્યુ જર્સીના 100થી વધુ નાગરિકો કેપિટોલ હિલ ગયા હતા અને યુએસ સાંસદોને મળીને તેમના મુદ્દાઓ રજૂ કર્યા હતા

જોકે અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનની શરૂઆત પછી ‘બાય અમેરિકન હાયર અમેરિકન’ સૂત્રના અમલ શરૂ કરવાનાં ચક્રો ગતિમાન થયાં છે, જે અંતર્ગત એચ-4 વર્ક વિઝા ધરાવતા લોકોનો કામ કરવાનો અધિકાર છીનવી લેવા માટે નવી પોલિસી તૈયાર થઈ રહી છે, જે જૂનમાં હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આનો સમગ્ર અમેરિકામાં પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે. તાજેતરમાં ભારતીય-અમેરિકન મહિલા કોંગ્રેસવુમન પ્રમીલા જયપાલની આગેવાનીમાં 93 ડેમોક્રેટિક અને રિપબ્લિક કોંગ્રેસમેન સહિત 130 સાંસદોએ વર્ક વિઝા પોલિસી ચાલુ રાખવાના સમર્થનમાં હસ્તાક્ષર કરેલા છે અને હોમલેન્ડ સિકયુરીટી સમક્ષ વિરોધ નોંધાવ્યો છે. હજુ સુધી ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા આ બાબતમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી, આ અધિકાર પાછો ખેંચવાનો મુસદ્દો આખરી તૈયારીમાં છે તેમ ટ્રમ્પ વહીવટી તંત્રે કોર્ટમાં જણાવ્યું હતું.
હોમલેન્ડ સિક્યુરિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘બાય અમેરિકન, હાયર અમેરિકન’ સૂત્ર અમલી બનાવવા માટે પોલિસી તૈયાર થઈ રહી છે, જેની પ્રક્રિયા ચાલુ છે. તેને અંતિમ ઓપ ન અપાય ત્યાં સુધી એચ-4 વિઝાધારકોનો કામ કરવાનો અધિકાર છીનવાઈ જવાનું નક્કી ગણી ન શકાય તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન યુએસ કંપનીઓ અને યુનિવર્સિટીઓ સત્તાધીશ ડીએસએસ દ્વારા ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (ઓટીપી) કડક બનાવવા બાબતમાં નિરાશ છે. આ પ્રોગ્રામ અંતર્ગત હાલમાં વિદેશી વિદ્યાર્થીઓ (ભારત અને ચીન સહિત)ને સાયન્સ-ટેક્નોલોજી-એન્જિનિયરિંગ-મેથ્સમાં ડિગ્રી સાથે સ્નાતક થયા પછી અમેરિકામાં ત્રણ વર્ષ માટે ઓન ધ જોબ ટ્રેનિંગ માટે રહેવા દેવાની મંજૂરી આપવામાં આવે છે.
આજે, કોંગ્રેસ ઇમિગ્રેશન મુદ્દાઓ વિશે પગલું ભરવાનું હમણાં માંડી વાળશે તેમ લાગે છે (કેટલાક હાઉસ રિપબ્લિકનો પોતાનાથી બનતો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે). આથી ટ્રમ્પ વહીવટી તંત્ર ધીમે ધીમે લીગલ ઇમિગ્રેશન સિસ્ટમમાં પરિવર્તન લાવવા આતુર છે, જેના કારણે દર વર્ષે લગભગ 1.5 મિલિયન વિદેશી વિદ્યાર્થીઓ માટે ભયંકર અચોક્કસતા પ્રવર્તશે તેમ લાગે છે.
જો તમારે આ બાબતે કંઈ સવાલો અથવા અભિપ્રાય આપવો હોય તો તમારે ફેરબદલ થતા નિયમો અંગે સજાગ રહેવું પડશે અને સમય આવે ત્યારે તમારો અવાજ ઉઠાવવો પડશે.
(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મીડીયા)