અમેરિકામાં અડધા કરતાં વધારે લોકોને કોરોના રસીનો એક ડોઝ આપી દેવામાં આવ્યો છે

 

ન્યુ યોર્કઃ અમેરિકામાં સીડીસીના ડાયરેકટર ડો. રોશેલ વાલેન્સકીએ જણાવ્યું હતું કે જે અમેરિકનોએ કોરોના રસીના બંને ડોઝ મેળવ્યા હોય તેઓ માસ્ક પહેર્યા વિના જાહેરમાં જઇ શકે છે. છેલ્લા એક વર્ષથી તમે શંકા ન કરી શકો તે અમે કહેતા હતા. પણ આજે તમે રસીના બંને ડોઝ મેળવ્યા હોય તો તમે શું કરી શકો તે કહીએ છીએ. અમેરિકામાં અડધા કરતાં વધારે લોકોને કોરોના રસીનો એક ડોઝ આપી દેવામાં આવ્યો છે જ્યારે ત્રીજા ભાગના અમેરિકનોને રસીના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. 

બી.૧.૬૧૭ તરીકે અથવા જબલ મ્યુટન્ટ તરીકે જાણીતો બનેલો ઇન્ડિયન સ્ટ્રેઇન બીજા ૧૭ દેશોમાં મળી આવ્યો હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થા (ષ્ણ્બ્)એ જણાવ્યું હતું. ભારતમાં આવેલા કોરોનાના ચેપના જુવાળ માટે જવાબદાર આ વાઇરસને વિશ્વ આરોગ્ય સંસ્થાએ વેરીઅન્ટસ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે વર્ગીકૃત કર્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેની સાપ્તાહિક અપડેટમાં જણાવ્યું હતું કે ૨૭ એપ્રિલે જિસેઇડ દ્વારા બી.૧.૬૧૭ લાઇનેજની ૧૨૦૦ જિનોમ સિકવન્સીસ ૧૭ દેશોમાંથી અપલોડ કરવામાં આવી છે. મોટાભાગની સિકવન્સીસ ભારત,  યુકે, યુએસએ અને સિંગાપોરમાંથી અપલોડ કરવામાં આવી છે. 

વિશ્વ આરોગ્ય સંસ્થા (ષ્ણ્બ્)એ જણાવ્યું હતું કે સતત નવમા સપ્તાહે નવા કોરોનાના કેસોની સંખ્યા વધી છે. ગયા સપ્તાહે કોરોનાના નવા ૫.૭ મિલિયન કેસો નોંધાયા હતા. જેમાં ભારતનો ફાળો ૩૮ ટકા જેટલો જણાયો છે. ૮૭,૦૦૦ લોકોના મોત સાથે મરણાંકમાં પણ સતત છટ્ઠા સપ્તાહે વધારો જોવા મળ્યો હતોે. દરમ્યાન બુધવારે કોરોનાના દુનિયામાં નવા ૩,૧૧,૭૭૧ કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા વધીને ૧૪૯,૬૩૮,૨૬૧ થઇ હતી જ્યારે કોરોનાને કારણે ૫૦૨૧ જણાના મોત થતાં કોરોનાનો કુલ મરણાંક ૩૧,૫૩,૨૩૬  થયો હતો. 

આ દરમ્યાન જર્મન ફાર્મા કંપની બાયોએનટેકના વડા ઉગુર સાહીને જણાવ્યું હતું કે આગામી ચાર મહિનામાં યુરોપ કોરોના સામે હર્ડ ઇમ્યુનીટી વિકસાવી લેશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વસતિમાં કોરોનાના પ્રસારની સાંકળ તોડવા માટે ૭૦ ટકા કરતાં વધારે લોકોને રસી આપેલી હોવી જોઇએ. 

ઉગુર સાહીને જણાવ્યું હતું કે તેમની કોરોના રસી લેનારાના આંકડા દર્શાવે છે કે સમય વીતવા સાથે રોગપ્રતિકાર પ્રતિભાવ નબળો પડી રહ્યો હોવાથી ત્રીજો ડોઝ લેવાની પણ જરૂર પડી શકે છે. છેલ્લા છ મહિનામાં બાયોએનટેક-ફાઇઝરની કોરોના રસીની અસરકારકતા ૯૫ ટકામાંથી ઘટીને ૯૧ ટકા થઇ છે. 

આ દરમ્યાન મર્ક કંપનીએ ભારતમાં જેનેરિક ડ્રગ બનાવનારા પાંચ ઉત્પાદકો સાથે રેમડેસિવિર જેવી પ્રયોગાત્મક એન્ટીવાઇરલ ડ્રગ મોલનુપિરાવિર કેપ્સ્યુલના ઉત્પાદન માટે કરાર કર્યા હોવાની જાહેરાત કરી હતી. અમેરિકામાં હાલ આ ડ્રગની આખરી તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે અને તે ક્યારે ભારતમાં કે અન્યત્ર વાપરવા માટે ઉપલબ્ધ બનશ તે નક્કી નથી. મર્કે આ દવા રીજબેક બાયોથેરેપ્યુટિક્સ સાથે મળીને વિકસાવી છે. બ્રાઝિલમાં સેનેટ દ્વારા સરકારે કોરોના મહામારીને કાબૂમાં લેવા માટે ભરેલા પગલાંની તપાસ શરૂ કરી છે. આ તપાસના પરિણામો વિપરિત આવે તો પ્રમુખ જૈર બોલ્સોનારો માટે ૨૦૨૨ની ચૂંટણીમાં ફરી ચૂંટાઇ આવવાનું મુશ્કેલ બની શકે છે. બોલ્સોનારો કોરોના મહામારીને સમજવામાં થાપ ખાઇ ગયા છે અને તેમની ભૂલભરેલી નીતિઓને કારણે બ્રાઝિલ વિશ્વમાં બીજા ક્રમે સૌથી વધારે મરણાંક ધરાવતું રાષ્ટ્ર બની રહ્યું છે. બ્રાઝિલમાં કોરોનાનો કુલ મરણાંક ચાર લાખ થવાને આરે છે.