અમેરિકાને કારણે ટળ્યો રશિયા પરનો આતંકી હુમલો, પુતિને ઼ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો

મોસ્કોઃ અમેરિકા અને રશિયા છેલ્લા કેટલાક વખતથી આમનેસામને જોવા મળી રહ્યા છે. જોકે દુશ્મનીનો આ માહોલ હવે દોસ્તીમાં બદલાય એવી શક્યતા છે. રશિયાના પ્રમુખ પુતિન હંમેશાં અમેરિકા સામે આક્રમક વલણ અપનાવતા આવ્યા છે. જોકે એક ઘટના એવી બની છે કે પુતિને અમેરિકાનો આભાર માનવા માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો હતો. આની પાછળનું કારણ એવું છે કે રશિયા પર થનારા એક આતંકી હુમલા અંગે અમેરિકાને જાણકારી મળી હતી. અમેરિકાએ સમયસર રશિયાને આ બાબતે જાણ કરી હતી, જેને કારણે મોટો આતંકી હુમલો ટાળી શકાયો હતો. એ પછી પુતિને ફોન કરીને ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો હતો. બંને નેતાઓએ નવા વર્ષમાં બંને દેશોના સંબંધો પર ચર્ચા કરી હતી. આગામી દિવસોમાં અમેરિકાના વિદેશમંત્રી રશિયાની મુલાકાત પણ લેવાના છે. વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં કહ્યું હતું કે બંને નેતાઓ વચ્ચે હથિયારોની ડીલ બાબતે અને આતંકી ખતરા સામે એકબીજાની સાથે રહીને લડવા પર ચર્ચા થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં સિરિયાના મુદ્દે બંને દેશો આમનેસામને આવ્યા હતા. નોર્થ કોરિયા સામે અમેરિકાએ મૂકેલા પ્રતિબંધ સામે ચીને યુએનમાં અપીલ કરી છે અને એમાં પણ રશિયા ચીનની સાથે રહ્યું છે.