અમેરિકાની ફાઈઝરની કોરોના રસી ૯૦ ટકા અક્સીર

 

નવી દિલ્હીઃ કોરોના મહામારીથી પીડાઈ રહેલી દુનિયા માટે ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે. દવા કંપની ફાઈઝરની કોરોના વેક્સિનના નવા ક્લિનિકલ ટ્રાયલમાં ૯૦ ટકા સફળ નિવડી છે. જે આશાથી પણ વધારે સારું પરિણામ છે. આટલું જ નહીં જો તમામ પ્રક્રિયા યોગ્ય રહી તો ચાલુ મહિનાના અંત સુધીમાં કંપનીને રસી વેચવાની મંજૂરી મળી શકે છે. વૈશ્વિક મહામારીને રોકવાના હેતુથી ફાઈઝરની રસી ઉપર આશા અપાવતા અહેવાલ સામે આવ્યા છે. 

ફાઈઝર પોતાના પાર્ટનર બાયોએનટેક સાથે મળીને કોરોના રસી બનાવી રહી છે. ફાઈઝર અમેરિકન અને બાયોએનટેક જર્મન દવા કંપની છે. કંપનીએ સોમવારે કહ્યું હતું કે, રસી પરિક્ષણ દરમિયાન ૯૪ સંક્રમિતમાંથી ૯૦ ટકા પર કારગર નિવડી છે. 

આ સંક્રમમિતોમાં કોરોનાના ઓછામાં ઓછા એક લક્ષણ હતા. હજી વેક્સિન ટ્રાયલ તબક્કામાં જ છે પણ પરિણામ આશા અપાવી રહ્યા છે કે ટૂંક સમયમાં દુનિયાભરમાં રસીના ઉપયોગનો રસ્તો ખૂલી શકે છે. કોરોના મહામારીથી દુનિયાભરમાં હજી સુધી ૧૨ લાખથી વધારે લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને વેક્સિનની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે