અમેરિકાના 46મા પ્રમુખ જો બાયડને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રથમવાર વાતચીત કરીને પરસ્પર વિવિધ મુદા્ઓ અંગે ચર્ચા કરી ….

Reuters

 

તાજેતરમાં અમેરિકાના 46મા પ્રમુખ બનેલા જો બાયડને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બન્ને દેશના ક્ષેત્રીય મુદા્ઓ અને અન્ય પ્રાથમિકતાઓ બાબત સહકારથી કાર્ય કરવા વાતચીત કરી હતી એવું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. જો બાયડનને ગત 20મી જાન્યુઆરીના પ્રમુખ તરીકે શપથ લીધા બાદ 19 દિવસ પછી બન્ને દેશના વડાઓએ પરસ્પર કરેલી આ સૌપ્રથમ વાતચીત હતી. વડાપ્રધાન મોદીએ બાયડનને વિજય માટે અભિનંદન અને શુભકામનાઓ આપી હતી. ટવીટ કરીને તેમણે જણાવ્યું હતું કે, અમે કલાઈમેટ ચેન્જ વિરુધ્ધ સહકારને આગળ વધારવામાં સાથ આપવા સહમતિ દર્શાવી હતી. અમે ઈન્ડો – પેસિફિ્ક રિજનની શાંતિ તેમજ સુરક્ષા માટે પગલાં લેવા , બન્ને દેશો વચ્ચેના સહયોગને મજબૂત કરવા તત્પરતા દર્શાવી હતી. વ્હાઈટ હાઉસે બન્ને દેશાોના વડાઓ વચ્ચે થયેલી વાતચીતના અંશો જાહેર કર્યા હતા. બન્ને દેશના વડાઓએ વિશ્વમાંથી આતંકવાદને નાબૂદ કરવા માટે સંયુક્તપણે કડક પગલા લેવાની પ્રતિબધ્ધતા જાહેર કરી હતી. વિશ્વમાંથી આતંકવાદને હંમેશા માટે નાબૂદ કરવા ભારત- અમેરિકા સાથે મળીને કામ કરવા માગે છે એવું પણ પ્રતિપાદિત કરવામાં આવ્યું હતું. બન્ને દેશના વડાઓેએ ઈકોનોમીને મજબૂત કરવા માટે પણ નવેસરથી આયોજન કરવા અંગે વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપ- પ્રમુખ કમલા હેરિસ સાથે પણ વાત કરી હતી. બાયડને સત્તાના સૂત્રો અખત્યાર કર્યા બાદ પ્રથમ સપ્તાહમાં જ વિશ્વના અગ્રણી સાત દેશોના વડાઓ સાથે વાત કરી હતી. 

                          વિશ્વના સુપર પાવર ગણાતા અમેરિકા માટે તેની વિદેશ નીતિ બેહદ મહત્વની હોય છે.અમેરિકાના અતિ નિકટના સહયોગી ગણાતા દેશ ઈઝરાયલનો  સાત દેશના વડાઓ સાથે થયેલી વાતચીતમાં સમાવેશ કરવામાં આવ્યો નહોતો. ભારત અને ચીન – બન્ને દેશના વડાઓ સાથે બાયડને વાત કરી હતી. પ્રથમ સાત દેશો સાથેની વાતચીતમાં સાઉદી અરેબિયા, યુએઈ તેમજ બહેરિન જેવા, અમેરિકાની નિકટ ગણી શકાય તેવા દેશોનો પણ સમાવેશ થયો નહોતો. પ્રમુખ બાયડને સત્તા સંભાળ્યા બાદ અમેરિકાના પાડોશી દેશ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને પણ ફોન કરીને તેમનો સંપર્ક કર્યો હતો.