અમેરિકાના સુપર માર્કેટમાં ગોળીબાર; ૧૦ મોત

 

બોલ્ડરઃ અમેરિકાના કોલોરાડોના બોલ્ડર સ્થિત એક સુપર માર્કેટમાં ગોળીબારની ઘટનામાં એક પોલીસ કર્મી સહિત દસ લોકો માર્યા ગયા હતા અને આ મામલામાં એક સંદિગ્ધની અટકાયત કરવામાં આવી છે. બોલ્ડર પોલીસ વડા મારિસ હેસોલ્ડે સોમવારે રાત્રે પત્રકારોને  મૃતકોની સંખ્યા અંગે સમર્થન આપ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સંદિગ્ધની  સારવાર ચાલે છે, લોકોએ ડરવાની જરૂર નથી. આ ઘટનામાં એક પોલીસ અધિકારીનું પણ મૃત્યુ થયું હતું. 

અમેરિકાના કોલોરાડોના બોલ્ડરમાં સુપરમાર્કેટમાં એક શખ્સે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જો કે, આ શખ્સે ગોળીબાર શા માટે કર્યો તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સોમવારે રાત્રે બનેલી આ ઘટનાથી અમેરિકાનું ગન કલ્ચર ફરી માથાંનો દુઃખાવો બની ગયું છે. ઝડપાયેલા આ શખ્સને પગમાંથી લોહી નીકળી રહ્યું હતું અને તેણે ફક્ત શોર્ટ્સ પહેરી હતી. પોલીસે ગોળીબારની ઘટના બાદ તેને હાથકડી પહેરાવી ધરપકડ કરી લીધી છે.    

બોલ્ડર પોલીસનાં જણાવ્યા મુજબ, મૃતક પોલીસ અધિકારીની ઓળખ એરિક ટેલી તરીકે થઈ છે. તે ૨૦૧૦થી બોલ્ડર પોલીસમાં સેવા આપી રહ્યા હતા. તે એક સાત વર્ષના બાળકના પિતા પણ છે. આ દુઃખદ છે કે એરિકે જ સૌપ્રથમ હુમલાખોર સામે બાથ ભીડી હતી અને તેનું કમનસીબે ગોળી વાગતાં મોત થયું હતું. બોલ્ડર ડિસ્ટ્રિક્ટ એટર્ની માઈકલ ડોઘર્ટીના જણાવ્યા મુજબ, મૃતકોના પરિવારજનોની ઓળખ કરવામાં આવી રહી છે, જેથી હજી સુધી નામ જાહેર કરવામાં નથી આવ્યાં. હુમલાખોરે કિંગ્સ સુપર્સ સ્ટોરમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગોળીબારની ઘટનાને પગલે ઝડપથી પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી નાકાબંધી કરી દીધી હતી. સ્વોટ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી તેમજ ત્રણ હેલીકોપ્ટર પણ પહોંચ્યાં હતાં. સ્ટોરના આગળની બારીનો કેટલોક ભાગ તૂટી ગયો હતો.