
ઉત્તર કોરિયા અને અમેરિકાની વચ્ચે કડવાશભર્યા સંબંધો છે. પરમાણુ શસ્ત્રોનું ઉત્પાદન તેમજ એનું પરીક્ષણ કરીને ઉત્તર કોરિયાએ વિશ્વના મોટા ભાગના દેશો સાથે વૈમનસ્ય ઊભું કર્યું છે. ઉત્તર કોરિયાના સરમુખત્યાર પ્રમુખ કિમ જોંગ ઉનના મનસ્વી અને બેજવાબદારીભર્યા વર્તનને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તેઓ ખાસ્સી નારાજગીનો સામનો કરી રહ્યા છે. અમેરિકા તેમજ કેટલાક યુરોપના રાષ્ટ્રોએ નોર્થ કોરિયા સાથેના વ્યાપાર પર પ્રતિબંધ મૂકી દીધો હતો. અમેરિકા અને નોર્થ કોરિયા પરસ્પર આક્ષેપ અને પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. જો કે મોડેમોડે પણ નોર્થ કોરિયાના શાસકને પોતાની ભૂલનું ભાન થયું હોય એમ લાગે છે. એટલે તાજેતરમાં કિમ જોંગ ઉનના એક પ્રતિનિધિમંડળે વાઈટહાઉસની મુલાકાત લઈને તેમના શાસકે પાઠવેલો પત્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો હતો. જેમાં ઉત્તર કોરિયાના શાસક કિમે ટ્રમ્પને પરસ્પર મંત્રણા માટે મળવા આમંત્રણ આપ્યું હતું. જેના ઉત્તરમાં ટ્રમ્પે પોતે મે મહિના સુધીમાં મુલાકાત ગોઠવશે એવુ કહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. કિમ જોંગ ઉને ન્યુકલીઅર મિસાઈલ ટેસ્ટીંગ સસ્પેન્ડ કરવાનું પણ વચન આપ્યું હોવાની વાત પણ જાણવા મળી હતી. અમેરિકાના સિકયુરિટી એડવાઈઝર નજીકના દિવસોમાં યુએનની સિક્યુરિટી કાઉન્સિલમાં અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેના સંબંધો વિષે રજૂઆત કરશે એવું જાણવા મળ્યું હતું.