અમેરિકાના પૂર્વ પ્રમુખ જીમી કાર્ટરનાં પત્ની રોઝલિન કાર્ટરનું 96માં વર્ષે અવસાન

વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ પ્રમુખ જીમી કાર્ટરનાં પત્ની રોઝલિન કાર્ટરનું નિધન થયું છે. તેઓએ ૯૬માં વર્ષે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓનાં નિધનથી અમેરિકામાં ગ્લાનિ છવાઈ ગઈ છે. રોઝલિન કાર્ટરે માનસિક સ્વાસ્થ્ય સુધારક અને સમાજ સેવિકા તરીકે પોતાની સેવાઓ આપી હતી. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ભાગ્યે જ જોવા મળતું અખંડ દાંપત્ય જીવન, તેઓ બંનેનું ૭૭ વર્ષનું દાંપત્ય જીવન અતિ આદરણીય બની રહ્યું હતુું. પોતાનાં પત્નીનાં નિધન પછી જીમી કાર્ટર અત્યંત ભાવુક બની ગયા હતા. તેઓએ કહ્યું કે, જીવનના અનેક આરોહ-અવરોહોમાં રોઝલિન તેઓનો સતત સાથ આપતાં રહ્યાં હતા. ૭૭ વર્ષના દાંપત્ય જીવન દરમિયાન તેઓની ક્યુબા, સુદાન અને ઉત્તર કોરિયા સહિત અનેક દેશોની યાત્રામાં સાથ આપ્યો હતો. જીમી કાર્ટર ૧૯૭૭-થી ૧૯૮૧ સુધી પ્રમુખ પદે હતા. તે દરમિયાન રોઝલિન કાર્ટરે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓએ એક સખાવત સંસ્થા ‘રોઝલિન કાર્ટર સેન્ટર’ની સ્થાપના કરી હતી. જે દ્વારા તેઓ અપંગો, ગરીબો વગેરેને સહાય પહોંચાડતાં હતા. ગત વર્ષના મે મહિનામાં તેઓને ડીમેશિયા નામક રોગ થયો, તેમાંથી તેઓ સાજા થઇ જ શક્યા નહીં. આખરે ૯૬ વર્ષે તેઓનું નિધન થયું. તેઓને અંજલિ અર્પતાં જીમી કાર્ટરે કહ્યું કે જીવનમાં મેં જે કૈં પ્રાપ્ત કર્યું છે તેમાં રોઝલિનનો અર્ધોઅર્ધ હિસ્સો છે. મારી મુશ્કેલીના સમયે તેણે મને સતત માર્ગ દર્શાવ્યો હતો અને મારો ઉત્સાહ વધાર્યો હતો.