અમેરિકાના અલાસ્કામાં ૮.૨નો ભૂકંપ, ભારે તબાહીની આશંકા

 

નવી દિલ્હીઃ અમેરિકાના અલાસ્કા રાજ્યમાં બુધવારે રાતે ભયાનક ભૂકંપના કારણે ધરતી ધ્રુજી ગઈ હતી. ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર ૮.૨ નોંધાઈ છે.

ભૂકંપના આંચકા એટલા તિવ્ર હતા કે, હવે તેના પગલે સુનામીની ચેતવણી પણ જાહેર કરાઈ છે. ભૂકંપના કારણે ભયાનક તારાજીની આશંકા પણ છે. ભૂકંપના કારણે થયેલા નુકસાન અંગેની જાણકારીની રાહ જોવાઈ રહી છે. ભૂકંપના કારણે રાજ્યના પશ્ચિમ તટ પર નુકસાન થયુ હોવાની શક્યતા છે. અલાસ્કા ભૌગોલિક રીતે પેસિફિક રિન્ગ ઓફ ફાયરમાં આવે છે. જ્યાં ભૂસ્તરીય હિલચાલ વધારે છે. ૧૯૬૪માં અહીંયા અમેરિકાના ઈતિહાસનો સૌથી વિનાશક ભૂકંપ આવ્યો હતો. તેના કારણે હવાઈ ટાપુ પર તબાહી મચી ગઈ હતી અને સુનામીમાં ૨૫૦ લોકોનાં મોત થયા હતા. અમેરિકન જિઓલોજીકલ સર્વે દ્વારા રાતે ૧૧-૧૫ વાગ્યે ધરતીની સપાટીથી ૨૯ માઈલ નીચે ભૂકંપ આવ્યો હોવાનુ કહેવાયું હતું. એ પછી બીજા બે આફ્ટરશોક્સ આવ્યા હતા. તેની તિવ્રતા ૬.૨ અને ૫.૬ બતાવવામાં આવી છે.