અમેરિકાએ વિશ્વને ફરીથી દેખાડી દીધી ભારત સાથેની ગાઢ મિત્રતા

 

વોશિંગ્ટનઃ અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ત્રણ મહિનાથી પણ ઓછો સમય હવે બચ્યો છે. આ ચૂંટણીમાં અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયના લોકોનું પણ ઘણું યોગદાન રહેવાનું છે. આ બધા વચ્ચે વ્હાઈટ હાઉસે બુધવારે કહ્યું કે અમેરિકા હંમેશા ભારતના લોકોનો વિશ્વાસપાત્ર મિત્ર રહેશે. અમેરિકાએ દોહરાવ્યું કે અમેરિકા બંને દેશો વચ્ચે સંબંધોને વધુ મજબુત કરવા માટે ઉત્સુક છે. વ્હાઈટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે ભારતના ૭૪માં સ્વતંત્રતા દિવસની  પૃષ્ઠભૂમિમાં ટ્વિટ કરીને કહ્યું કે અમે ભારતમાં અમારા મિત્રોને શુભેચ્છા પાઠવીએ છીએ, જેમણે હાલમાં જ પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો છે.

અત્રે જણાવવાનું કે અમેરિકામાં ભારતીય મૂળના લોકોએ અને ભારતીયોએ ભારતના ૭૪માં સ્વતંત્રતા દિવસને ખુબ ધામધૂમથી ઉજવ્યો હતો. એનએસસીની ટ્વિટમાં આ વર્ષના ફેબ્રુઆરીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસનો હવાલો આપતા લખવામાં આવ્યું છે કે અમેરિકા બંને દેશોના સંબંધોને વધુ મજબૂત કરવા માંગે છે અને હંમેશા ભારતના લોકોનો ભરોસાપાત્ર મિત્ર બની રહેશે. એનએસસીની આ ટ્વિટને સેનેટમાં ભારતના સમર્થન જૂથના ઉપાધ્યાક્ષ સેનેટર જ્હોન કોર્નિને રિટ્વીટ કરી. 

આ અઠવાડિયાની શરૂઆતમાં એનએસસી સાથે જોડાયેલા વરિષ્ઠ પદાધિકારીએ કહ્યું હતું કે ટ્રમ્પે ભારત સાથેના સંબંધોને નવી ઊંચાઈ આપી છે, જે અગાઉ  પહેલા કોઈ પણ રાષ્ટ્રપતિના કાર્યકાળમાં જોવા મળી નથી. ફેબ્રુઆરીમાં ટ્રમ્પના ભારત પ્રવાસ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈ પર લઈ ગયા, જે ઈન્ટરનેશનલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને લઈને ખુબ મહત્ત્વનું છે. 

ઉલ્લેખનીય છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તે નેતાઓમાંના એક છે જેમણે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ શરૂઆતના દિવસોમાં વ્હાઈટ હાઉસની મુલાકાત લીધી. એટલું જ નહીં આ બંને નેતાઓ અત્યાર સુધીમાં બે મોટી રેલીને સંબોધિત કરી ચૂક્યા છે. જેમાંથી એક હ્યુસ્ટનમાં સપ્ટેમ્બર ૨૦૧૯માં ‘હાઉડી મોદી’ હતી જેમાં ૫૫૦૦૦થી વધુ લોકોની ભીડ ઉમટી હતી. જ્યારે બીજીવાર બંને નેતાઓ ફેબ્રુઆરી ૨૦૨૦માં ભારતના અમદાવાદમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં સાથે હતાં. જ્યાં એક લાખ ૧૦ હજાર કરતાં વધુ લોકો હાજર રહ્યાં હતાં. 

એનએસસીના વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ આ બંને આયોજનોમાં જોડાયેલા લોકોની સંખ્યા જ દર્શાવે છે કે આ બંને ટોચના નેતાઓમાં કેવી આપસી સમજ છે. તેમના જણાવ્યાં મુજબ ટ્રમ્પે ભારત અમેરિકાના સંબંધોને મહત્ત્વ આપ્યું છે અને છેલ્લાં સાડા ૩ વર્ષમાં બંને દેશો વચ્ચે સહયોગ વધાર્યો છે. બંને મજબૂત લોકતાંત્રિક દેશ સાથે મળીને વૈશ્વિક અર્થવ્યવસ્થાને સંભાળી રહ્યાં છે. ખાસ કરીને કોરોના મહામારી બાદના સમયમાં તથા ગ્લોબલ સપ્લાય ચેનને વધારી રહ્યાં છે. બંને દેશો ઈન્ડો પેસિફિક રીઝનને ખુલ્લું કરવામાં યોગદાન આપી રહ્યાં છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ આવનારા વર્ષોમાં પણ આ સંબંધોને નવી ઊંચાઈ આપવાનો પ્રયત્ન કરશે.