અમેરિકાએ કોરોનાના ગભરાટને લીધે  આસિયાન બેઠક સ્થગિત રાખી

 

વોશિંગ્ટનઃ અમેરિકાએ લાસ વેગાસમાં માર્ચના મધ્યમાં દક્ષિણ-પૂર્વ એશિયન દેશોના (આસિયાન) નેતાઓ સાથેની બેઠક કોરોના વાઇરસના ગભરાટને લીધે સ્થગિત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૧૦ સભ્ય સાથેના આસિયાનના નેતાઓને આ વર્ષે અમેરિકામાં બેઠક માટે આમંત્રિત કર્યા હતા. ગત વર્ષે થાઇલેન્ડમાં યોજાયેલી આસિયાન બેઠકમાં ટ્રમ્પ હાજર રહી શક્યા નહોતા. 

ટ્રમ્પ પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકાના લાસ વેગાસની બેઠક સ્થગિત કરવાનો મુશ્કેલ નિર્ણય કરતાં પૂર્વે આસિયાન ભાગીદારો સાથે વિચાર-વિમર્શ કરાયો હતો. અધિકારીએ પોતાની ઓળખ ખાનગી રાખી માહિતી આપી હતી કે હાલમાં વ્હાઇટ હાઉસે આ બેઠક સ્થગિત રાખવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

કોરોનાના ફફડાટથી બીમારીના નિયંત્રણ અંગે યુએસએ જણાવ્યું હતું કે જાપાનના ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝમાંથી અલગ રખાયેલા પ્રવાસીઓના જૂથમાંથી વધુ બે અમેરિકનને કોરોના વાઇરસ હોવાનું જણાયું છે. અમેરિકાના ઓરેગનમાં સૌપ્રથમ કોરોના વાઇરસનો દરદી પોઝિટિવ હોવાનું જણાયું છે, જ્યારે કેલિફોર્નિયાના સાંતા ક્લારા કાઉન્ટીમાં બીજો કેસ નોંધાયો છે. આ બંને કેસમાં સંક્રમિત વ્યક્તિ દેશબહાર ગઈ ન હતી ને કોરોનાગ્રસ્ત કોઈ જાણીતી વ્યક્તિના સંપર્કમાં પણ આવી ન હતી