અમેરિકાએ એક વર્ષની અંદર અફઘાનિસ્તાનમાં સાત હજારથી વધારે બોમ્બ ઝીંક્યા

 

નવી દિલ્હીઃ પોતાના શક્તિશાળી સૈન્ય માટે અમેરિકા જાણીતું છે અને સમય સમય પર એ આ વાત સાબિત પણ કરતું રહે છે. ઇતિહાસમાં જે દેશ કે સંગઠને અમેરિકા સાથે દુશ્મની લીધી છે તેને બેહિસાબ નુકસાનની સાથે મોટી કિંમત ચૂકવવી પડી છે. કેટલાય દેશ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની અત્યાધુનિક ટેક્નોલોજી અને વિશાળ સૈન્યશક્તિ સામે સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે. એનું તાજું ઉદાહરણ હાલમાં જ સામે આવ્યું છે. સોમવારના રોજ અમેરિકન એરફોર્સ સેન્ટ્રલ કમાન્ડ તરફથી જારી કરાયેલા રિપોર્ટ અનુસાર, ૨૦૧૯માં અમેરિકાએ અફઘાનિસ્તાનમાં અલગ-અલગ ટાર્ગેટ પર ૭,૪૨૩ બોમ્બ ફેંક્યા હતા. અલ ઝઝીરાના રિપોર્ટ અનુસાર, અમેરિકન એરફોર્સ તરફથી તાજેતરમાં જારી કરાયેલા આંકડાએ ૨૦૧૮માં ૭,૩૬૨ બોમ્બ ફેંકવાના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

વર્તમાન સમયમાં અફઘાનિસ્તાનમાં નાગરિકોની એક પછી એક ઘટના સામે આવ્યા બાદ સંયુક્ત રાષ્ટ્ર અને માનવ અધિકાર સંગઠનોએ અમેરિકા અને અફઘાનિસ્તાન દળો તરફથી દેશભરમાં કરવામાં આવેલા હવાઈહુમલા પર ચિંતા વ્યક્ત કરી હતી. રવિવારના રોજ દેશના ઉત્તર બલ્ખ પ્રાંતમાં સરકારી હવાઈહુમલામાં ત્રણ બાળકો સહિત સાતથી વધારે નાગરિકોનાં મોત નીપજ્યાં હતાં, ત્યાર બાદ સ્થાનિક રહેવાસીઓએ અમેરિકા અને અફઘાનિસ્તાન દળોનો વિરોધ શરૂ કરી દીધો હતો. આ મહિનાની શરૂઆતમાં પશ્ચિમ અફઘાનિસ્તાનમાં તાલીબાનના એક ટોચના કમાન્ડરને ટાર્ગેટ કરી અમેરિકાએ ડ્રોન હુમલો કર્યો હતો. હુમલામાં ૬૦થી વધારે નાગરિક ઘાયલ થયા હતા. હુમલામાં કેટલાય લોકોનાં મોત પણ નીપજ્યાં હતાં. જોકે સરકાર દ્વારા કોઈ સત્તાવાર આંક જારી કરવામાં આવ્યો નથી. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, ૨૦૧૯ના પહેલા છ મહિનામાં અમેરિકા- અફઘાનિસ્તાનનાં સૈન્યો દ્વારા કરાયેલા હવાઈહુમલામાં ૭૧૭ નાગરિકા માર્યા ગયા હતા.