અમેરિકન સેના કાબુલથી પરત પર્યા બાદ ભારતે તાલિબાન સાથે સીધી વાતચીત કરવાનું શરૂ કર્યુ …

 

           ભારતના કતાર ખાતેના રાજદૂત દીપક મિત્તલે દોહા ખાતે પહેલીવાર તાલિબાનના આગેવાન સાથે ચર્ચા કરી હતી. ભારતે વાતચીત દરમિયાન આતંકવાદનો મુદ્દો રજૂ કરતા કહ્યું હતું કે, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદને પ્રોત્સાહન આપતી કોઈ પણ જાતની  પ્રવૃત્તિ માટે થવો ન જોઈએ. રાજદૂત દીપક મિત્તલે જણાવ્યું હતું કે, ભારતે તાલિબાનના નેતા સાથેની વાતચીત દરમિયાન અફઘાનિસ્તાનમાં રહેતી લધુમતી કોમના લોકોના જાનમાલની સુરક્ષા અંગે પણ પોતાની ચિંતા વ્યક્ત  કરી હતી. તાલિબનના નેતા સાથે ભારતીય રાજદૂત ભારતના દૂતાવાસમાં ચર્ચા કરી હતી. સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુપસાર, વાતચીત માટેની પહેલ તાલિબાની દ્વારા કરવામાં આવી હતી. ચર્ચા દરમિયાન અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની  સુરક્ષા અને સ્વદેશ પરત મોકલવાની કામગીરી બાબત રજૂઆત કરવામાં આવી હતી

     ભલે અમેરિકાના લશ્કરે કાબુલ છોડીને અમેરિકા  રવાનગી કરી હોય, તોપણ હજી ત્યાં પરિસ્થિતિ હજી સલામત નથી. અફઘાનિસ્તાનમાં ભારતીય હિતોની સુરક્ષા સામે ગંભીર પડકારો છે. ખાસ કરીને, તાલિબાનીઓ સાથે નિકટતા કેળવી રહેલા ચીન અને પાકિસ્તાન તાલિબાનીઓ પર પોતાનું વર્ચસ્વ જમાવવાના પેંતરા કરી રહ્યા છે, ત્યારે આવા સંજોગોમાં ભારતે પોતાના હિતાોની જાળવણી માટે તેમજ અફઘાનિસ્તાન સાથે આર્થિક અને રાજદ્વારી સંબંધો સ્થાપવા માટે વિચારીને પગલું ભરવું પડશે. ભારત માટે અત્યારે અફઘાનિસ્તાનનો મુદો્ એક વિકટ પડકાર બની ગયો છે. ચીન, પાકિસ્તાન – બન્ને એક થઈ ગયાંછે, જયારે ભારતનું સદાકાળ મિત્ર ગણાતું ને મનાતું રાષ્ટ્ર રશિયા હવે ચીનની હામાં હા મિલાવી રહ્યું છે. તાજેતરમાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં રશિયાએ ભારતના આગ્રહની અવગણના કરીને ચીનને સાથ આપ્યો હતો. અફઘાનિસ્તાનની હાલની કટોકટીભરી સ્થિતિ પર ભારતે પેશ કરેલા પ્રસ્તાવને રશિયાએ સમર્થન આપ્યું નહોતું૆. 

 તાલિબાનના એક આગેવાને નિવેદન કરીને તાલિબાનની નવી સરકારની નીતિ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, વિશ્વભરના દેશો સાથે મૈત્રીપૂર્ણ  ને સુમેળભર્યા સંબંધો રાખવાની અમારી નેમ છે. અમે નાટોના સભ્ય દેશો સાથે પણ અમારા સંબંધો સારાં છે. ભારત સાથે પણ અમે સારા સંબંધો  બાંધવા માગીએ છે. અમે તો ઈચ્છીએ છીએ કે, અમારા ભારત સાથેના આર્થિક અને સાંસ્કૃતિક સંબંધે અગાઉના જેવા જ રહે. 

 દરમિયાન પાકિસ્તાન સરકારના સત્તાવાર  સૂત્રોએ જણાવ્યું હતુ કે, અફઘાનિસ્તાન છોડીને પાકિસ્તાન ખાતે આવેલા અમેરિકન સૈન્યના સૈનિકો  લાંબા સમય સુધી પાકિસ્તાનમાં ન રહી શકે. પાકિસ્તાન અફઘાનિસ્તાનથી પરત આવેલા અમેરિકન સૈન્યના સૈનિકોને લાંબા સમયગાળા સુધી ઈસ્લામાબાદમાં રહેવાની અનુમતિ નહિ આપે.