અમેરિકન સંસદમાં ગ્રીન કાર્ડનો ક્વોટા રદ કરવા ખરડો રજૂઃ IT પ્રોફેશનલ માટે રાહત

 

નવી દિલ્હીઃ ભારતના આઇટી પ્રોફેશનલ્સ માટે રાહતના સમાચાર છે. અમેરિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક પક્ષે સંયુક્ત રીતે ગ્રીન કાર્ડનો ક્વોટા હટાવવાનો ખરડો રજૂ કર્યો છે. અત્યારે અમેરિકાએ દરેક દેશ માટે ગ્રીન કાર્ડનો ક્વોટા નિર્ધારિત કરેલો છે.

ખરડો મંજૂર થશે તો તેનો મોટો લાભ ભારતના આઇટી પ્રોફેશનલ્સને મળશે. કારણ કે તે મોટી સંખ્યામાં H-1 વિઝા પર કામ કરે છે અને સમયાંતરે ગ્રીન કાર્ડના દાવેદાર બને છે. જોકે, દેશ પ્રમાણે ગ્રીન કાર્ડનો ક્વોટા નિર્ધારિત હોવાથી ઘણા લોકોને નિરાશાનો સામનો કરવો પડે છે. પરમેનેન્ટ રેસિડેન્ટ કાર્ડના નામે ઓળખાતું ગ્રીન કાર્ડ અન્ય દેશોના લોકોને અમેરિકામાં કાયમી વસવાટની મંજૂરી આપે છે. 

મોટા ભાગના ભારતીય આઇટી પ્રોફેશનલ્સ H-1B વિઝા દ્વારા અમેરિકા જાય છે. અમેરિકાની હાલની પ્રક્રિયાનું સૌથી વધુ નુકસાન તેમને જ થાય છે. કારણ કે અમેરિકાએ દરેક દેશ માટે માત્ર સાત ટકા સુધી ગ્રીન કાર્ડના ક્વોટાની મર્યાદા નિર્ધારિત કરી છે. ખરડામાં રોજગાર આધારિત પ્રવાસી વિઝા પર દરેક દેશ માટે નિર્ધારિત સાત ટકાની મર્યાદા હટાવવાનો પ્રસ્તાવ છે. ઉપરાંત, પરિવાર દ્વારા સ્પોન્સર્ડ વિઝા પર સાત ટકાની મર્યાદાને વધારી ૧૫ ટકા કરવામાં આવી છે.

અમેરિકાના બે સંસદ સભ્ય જો લોફગ્રેન અને જોન કર્ટિસે આ ખરડો રજૂ કર્યો હતો. ઇક્વલ એક્સેસ ટુ ગ્રીન કાર્ડ્સ ફોર લીગલ એમ્પ્લોયમેન્ટ એક્ટ, ૨૦૨૧ નામનો આ ખરડો પસાર કરવા સેનેટની મંજૂરીની પણ જરૂર પડશે. ત્યાર પછી તેને પ્રેસિડેન્ટની મંજૂરી માટે મોકલાશે. ખરડામાં દરેક દેશના રોજગારી આધારિત ઇમિગ્રન્ટ વિઝાનો સાત ટકા ક્વોટા ધીમેધીમે હટાવવાનો પ્રસ્તાવ છે. ફેમિલી સ્પોન્સર્ડ વિઝાનો ક્વોટા ૧૫ ટકા સુધી વધારવાનો પ્રસ્તાવ પણ રજૂ કરાયો છે. અગાઉ સંસદમાં ફેરનેસ ફોર હાઇ સ્કિલ્ડ ઇમિગ્રન્ટ્સ એક્ટ ૩૬૫ વિરુદ્ધ ૬૫ મતથી પસાર થઈ ચૂક્યો છે. એટલે ગ્રીન કાર્ડનો ક્વોટા વધારવાના ખરડા માટે પણ આશા વધી છે. ઇમિગ્રેશન એન્ડ સિટિઝનશિપ અંગે અમેરિકાની સંસદની પેટાસમિતિના પ્રમુખ જો લોફગ્રેને જણાવ્યું હતું કે, અમને જાણ છે કે, અમેરિકાને અર્થતંત્ર માટે ઊંચી કુશળતા ધરાવતા વ્યક્તિની જરૂર છે. તે અહીં રોજગારની તકો ઊભી કરી શકે છે.