અમેરિકન કુકિંગ શો ‘બીટ બોબી ફલે’ જીતતાં ભારતીય શેફ આરતી સંપત

ન્યુ યોર્કઃ ભારતીય શેફ આરતી સંપત તાજેતરમાં ફરી એક વાર અમેરિકન શો ‘બીટ બોબી ફલે’ રિયલિટી કુકિંગ શોનાં વિજેતા બન્યાં છે. આ અગાઉ તેમણે અમેરિકન રિયલિટી-બેઝ્ડ કુકિંગ શો ‘ચોપ્ડ’ પણ જીત્યો હતો.
સ્વાદિષ્ટ વ્યંજનોને લગતી સ્પર્ધાઓ માટે શેફ બોબી ફલેનું નામ અજાણ્યું નથી. તેઓ ‘બોબી’ઝ ડિનર બેટલ’નાં હોસ્ટ તરીકે અને ‘થ્રોડાઉન! વિથ બોબી ફલે’નાં સ્પર્ધક તરીકે પણ જાણીતાં છે.

‘બીટ બોબી ફલે’ના અડધો કલાકના દરેક એપિસોડ દરમિયાન, અમેરિકન કુકિંગ કોમ્પિટિશન શોની શરૂઆતમાં બે શેફ બોબી ફલે દ્વારા પસંદ કરાયેલી ડિશ બનાવે છે.

આ ચેલેન્જના વિજેતા બીજા રાઉન્ડમાં જાય છે, જેમાં તેમણે ફરીથી ફલેનો સામનો કરવો પડે છે.
આરતી સંપતે બિરયાની ડિશ બનાવી વિજેતા થયાં હતાં. તેમણે જણાવ્યું હતું કે પાશ્ચાત્ય બજારમાં ભારતીય વ્યંજનો રજૂ કરવાની મને તક મળી તે બદલ હું ખૂબ જ રોમાંચિત છું. બિરયાની બીજા લોકો માટે ભૂતકાળ છે, તે બહુ જાણીતી નથી.
સિયેટલમાં વસતાં શેફ આરતી સંપત કહે છે કે આ સ્પર્ધા જીતતાં હું ખૂબ જ આનંદ અનુભવું છું. આ મારી કલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે.  હાલમાં આરતી સંપત ન્યુ યોર્કમાં મિશેલીન સ્ટારેડ ઇન્ડિયન રેસ્ટોરાં ‘જુનૂન’માં શેફ ડી કુઝીન તરીકે હોદ્દો ધરાવે છે.