અમુકતમુક વર્ષમાં લગ્ન કરવાં કે નહિ?

 

લગ્ન એક કિલ્લો છે. અંદર રહેલાં બહાર નીકળવા ફાંફાં મારી રહ્યાં છે અને બહાર રહેલાં અંદર જવા ધક્કામુક્કી કરી રહ્યાં છે. આ ધક્કામુક્કી કરતાં યુવાન-યુવતીઓએ કિલ્લાની બહાર નીકળવા ફાંફાં મારી રહેલા એક મનુષ્ય આગળ આજે માર્ગદર્શન માગ્યું છે.

એક લેખમાં મેં લખ્યુંઃ આજકાલ હું સલાહ આપવાના જબરજસ્ત મૂડમાં છું. મારા આ કથનની જબરજસ્ત અસર પડી. જુદી જુદી બાબતોમાં સલાહ માગતા અનેક પત્રો મને મળ્યા. દેશની હાલની સ્થિતિમાં નાગરિક તરીકે આપણું શું કર્તવ્ય છે? એવા પ્રશ્નથી માંડીને ઘરમાં કોઈને બત્તી ઠારવાની ટેવ નથી, એટલે વીજળીનું બિલ વધારે આવે છે તો શું કરવું? સારો પ્લમ્બર મેળવવા શું કરવું? કાયમી કબજિયાત રહે છે તો શું કરવું? જેવા અનેક પ્રશ્નો મને પૂછવામાં આવ્યા. આવા મોટા ભાગના પ્રશ્નો હું પોતે જ ક્યારેય હલ કરી શક્યો નથી. ઘણા ખરા પ્રશ્નોમાં મને કશી સમજ પડી નહિ. છતાં, જેમણે જવાબી કાર્ડ બીડ્યાં હતાં એમને મેં જવાબો લખ્યા જ! જેમાં આપણને કશી સમજ પડતી ન હોય એમાં સલાહ આપવાનું સહેલું પડે છે એવો મારો અનુભવ છે, જેમ કે સારો પ્લમ્બર મેળવવા શું કરવું એવી સલાહ માગનારને મેં એકવીસ મંગળવાર કરવાનું કહ્યું હતું! જેમણે જવાબી કાર્ડ નહોતાં બીડ્યાં એમને મેં મારે ખર્ચે પણ જવાબો લખ્યા. થોડો ખર્ચ ભલે થાય, પણ ડાહ્યા માણસો સલાહ આપવાની તક જતી કરતા નથી. પણ એક લગ્નોત્સુક યુવકે લેખ દ્વારા એના પ્રશ્ન અંગે જાહેર સલાહ આપવાની વિનંતી કરી હતી. એણે લખ્યું હતું કે મારા જેવાં હજારો યુવાન-યુવતીઓ આ પ્રશ્ને મૂંઝાઈને બેઠાં છે. એમને આપના જાહેર માર્ગદર્શનથી ઘણો લાભ થશે. યુવાનની લાગણીને માન આપી એના અને એના જેવાં બીજા અનેક યુવાન-યુવતીઓની મૂંઝવણ અંગે આજે માર્ગદર્શન આપી રહ્યો છું. યુવાનનો પ્રશ્ન છે કે અમુકતમુક વર્ષમાં લગ્ન કરવાં નહિ, એવું વારંવાર કહેવામાં આવે છે તો આવા વર્ષમાં લગ્ન કરવાં કે નહીં?

ખરેખર તો લગ્ન કરવાં કે નહિ એ અંગેની મૂંઝવણ હોવી જોઈએ, પણ એ એની મૂંઝવણ નથી. જ્યોતિષીએ ના પાડી હોય એવા વર્ષમાં લગ્ન કરવાં કે નહિ એ પ્રશ્ને એ મૂંઝાય છે, અને એના કહેવા મુજબ બીજાં અનેક યુવાન-યુવતીઓ આ પ્રશ્ને મૂંઝાય છે. આ સર્વ માટે આ જાહેર માર્ગદર્શન છે એમ સમજવું.

મૂંઝાયેલા યુવાને એના પત્રની સાથે છાપાનું કટિંગ મોકલી આપ્યું છે અને સાથે જણાવ્યું છે કે મારું વેવિશાળ થઈ ગયું છે. લગ્ન આ વર્ષે થવાનાં જ હતાં, પણ આ સાથે મોકલેલા કટિંગમાંના સમાચાર વાંચ્યા પછી મારા પિતા લગ્ન કરવાની ના કહે છે, પણ મારા સસરા લગ્ન માટે દબાણ કરી રહ્યા છે. મારા સસરા અમારા પર એટલા માટે દબાણ કરી રહ્યા છે કે એમણે દીકરીની સાથે સાથે દીકરાનાં લગ્નનું પણ આયોજન કર્યું છે અને એ બંધ રહી શકે તેમ નથી, કારણ કે દીકરાના સસરાએ મહામહેનતે હોલ બુક કરાવ્યો છે. એટલે મારા સસરા પર એના દીકરાના એટલે કે મારા સાળાના સસરા દબાણ કરી રહ્યા છે. મારા સાળાના સસરાએ મારા સસરાને કહેવરાવ્યું છે કે લગ્ન નહિ કરી આપો તો અમે વેવિશાળ તોડી નાખીશું, કારણ કે જમાઈ તો બીજો સહેલાઈથી મળી રહેશે, પણ એક વાર હાથથી ગયેલી લગ્નની વાડી પાછી મળે ન મળે! એટલે લગ્ન કરી જ આપો. આથી મારા સસરા લગ્ન માટે મારા પિતા પર દબાણ કરી રહ્યા છે, પરંતુ મારા પિતા આ સમાચાર વાંચ્યા પછી લગ્ન કરી આપવાની ના પાડે છે, તો આપ સમાચારનો બરાબર અભ્યાસ કરજો અને પછી આ પ્રશ્ન અંગે શું કરવું એનું માર્ગદર્શન આપશો. આવી વિનંતી લગ્નોત્સુક યુવાને કરી છે.

મેં સમાચારનો અભ્યાસ કર્યો. સમાચારમાં એવું હતું કે જે વર્ષમાં મીંડાની સંખ્યા વધુ હોય તે વર્ષમાં થયેલાં લગ્નો સફળ નહિ થાય, આવી ભવિષ્યવાણી કેટલાક જ્યોતિષીઓએ ઉચ્ચારી છે. જોકે કેટલાક જ્યોતિષીઓએ આવું વર્ષ લગ્ન માટે ઉત્તમ હોવાનું પણ કહ્યું છે; પરંતુ, આપણા પર અશુભ આગાહીઓની જેટલી અસર થાય છે તેટલી શુભ આગાહીઓની થતી નથી. અમારા એક સગાના દીકરાનાં લગ્ન આવા વર્ષમાં ગોઠવાયાં હતાં. એમણે મને આશીર્વાદ આપવા આવવાનું નિમંત્રણ પણ આપ્યું હતું, પણ પછી મને એ કહી ગયા કે એમણે એમના દીકરાનું લગ્ન અગિયારમી ડિસેમ્બરે કરી નાખ્યું. એમણે ચોથી ડિસેમ્બરના છાપામાં આવતા વર્ષે થનારાં લગ્નો નિષ્ફળ જશે એવું વાંચ્યું. એટલે તરત જ વેવાઈનો સંપર્ક સાધ્યો. ચૌદમી ડિસેમ્બર પછી કમૂરતાં બેસી જાય અને કમૂરતાં ઊતરે ત્યાં નવું વર્ષ બેસી જાય! આ પરિસ્થિતિમાં અગિયારમી ડિસેમ્બરે જ લગ્ન કરવાં પડે. વેવાઈ પણ દીકરાના હિત ખાતર લગ્ન કરી આપવા તૈયાર થયા, પણ લગ્ન માટેનો હોલ ક્યાં? રસોઇયા ક્યાં? બેન્ડવાજાવાળા ક્યાં? આ પ્રશ્ને એ બન્ને થોડા મૂંઝાયા, પણ પછી એમણે એમના એક ઓળખીતા જોડે લગ્નજોડાણ કર્યું. એમના ઓળખીતાએ લગ્ન માટે એક મોંઘો પાર્ટીપ્લોટ ભાડે રાખેલો. આ પાર્ટીપ્લોટનું એંશી ટકા ભાડું બન્ને વેવાઈઓએ આપવું એ શરતે એ જ પાર્ટીપ્લોટમાં એ જ સમયે આ બીજાં લગ્ન યોજવાની સંમતિ મળી. લગ્નમાં માત્ર બે કુટુંબના સભ્યો જ આવી શકશે અને એ બન્ને કુટુંબના સભ્યો જ ભોજન સમારંભમાં જમી શકશે એ શરતે સંમતિ મળી હતી, પણ એમના પેલા ઓળખીતાએ પોતાના પાંચસો માણસો જમાડવાનું નક્કી કર્યું હતું. એનો પંચોતેર ટકા ખર્ચ આ બન્ને વેવાઈઓએ ભોગવવો પડશે એવી શરત પણ કરી હતી. સંતાનના લગ્નજીવનને નિષ્ફળ બનતું અટકાવવા બન્ને વેવાઈઓએ પેલા પરિચિત સજ્જનની બધી શરતો માન્ય રાખી; કારણ કે કમુરતાં બેસી ગયાં પછી આવા લગ્નજોડાણની પણ શક્યતા રહેતી નહોતી.
કોઈએ કહ્યું કે, લગ્ન એક કિલ્લો છે. અંદર રહેલાં બહાર નીકળવા ફાંફાં મારી રહ્યાં છે અને બહાર રહેલાં અંદર જવા ધક્કામુક્કી કરી રહ્યાં છે. આ ધક્કામુક્કી કરતાં યુવાન-યુવતીઓએ કિલ્લાની બહાર નીકળવા ફાંફાં મારી રહેલા એક મનુષ્ય આગળ આજે માર્ગદર્શન માગ્યું છે. માણસ લગ્ન કરે છે એનો અર્થ જ એ છે કે મનુષ્યજાતિ બીજાંઓના અનુભવમાંથી કશું શીખતી નથી. લગ્નના પ્રારંભે દરેક પરણેલો મનુષ્ય કવિ હોય છે. આકાશમાંથી તારા તોડી લાવી પત્નીના અંબોડે ગૂંથવાની એને હોંશ હોય છે, પણ પછી એક દિવસ એવો આવે છે કે પત્ની માટે શાક લાવી આપવાનું કામ પણ એને આકરું લાગવા માંડે છે. આ બધું નજરે જોવા છતાં કુંવારાઓના હૃદયમાં કવિતા ઊભરાવા માંડે છે.

માણસો શા માટે પરણે છે એનો ખુલાસો કોઈ આપી શકતું નથી. યક્ષે પાંડવોને વારાફરતી પૂછેલું કે, જગતનું મહાન આશ્ચર્ય કયું? ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ તો આ પરીક્ષામાં ફુલ્લી નાપાસ થયા. યુધિષ્ઠિરે કહ્યું, મનુષ્યો પોતાની નજર સામે અનેક લોકોને મરતાં જુએ છે ને છતાં પોતે કદી મરવાનો નથી એમ માનીને વર્તે છે. જગતનું આ પરમ આશ્ચર્ય છે. યક્ષ પરણેલો નહિ હોય એટલે એણે યુધિષ્ઠિરનો આ જવાબ સાચો માની લીધો ને પૂરા માર્ક્સ આપી દીધા! ખરેખર તો યુધિષ્ઠિરે એમ કહેવું જોઈતું હતું (દ્રૌપદી જેવી પત્નીના સિનિયર મોસ્ટ પતિ હોવાને કારણે તો ખાસ) કે મનુષ્યો પોતાની નજર સામે પરણેલાંઓને દુઃખી થતાં જુએ છે ને છતાં પોતે સુખી થવાના જ છે એમ માનીને પરણે છે એ ખરે જ જગતનું પરમ આશ્ચર્ય છે.
આપણા જાણીતા હાસ્યલેખક પ્રદ્યુમ્ન જોષીપુરાના એક લેખમાં એમણે લખ્યું છે કે, મારાં લગ્ન થયાં ત્યારે કોઈ પૂછે કે તમે ક્યાં પરણ્યાં? ત્યારે હું મારી પત્નીના પિયરના ગામનું નામ આપતો. પણ વીસ-પચ્ચીસ વર્ષ પછી મને જ પ્રશ્ન થવા માંડ્યો, હું ક્યાં (શા માટે) પરણ્યો? લગ્નનાં કેટલાંક વર્ષો પછી મોટા ભાગનાંને આવો બીજા પ્રકારનો પ્રશ્ન હું ક્યાં પરણ્યો?/પરણી? થતો હોય છે, પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. (પત્નીઓ આવું કહેતી નથી, પણ એમનેય આવો પ્રશ્ન થતો તો હશે જ, અને એકવીસમી સદીમાં પરણેલી યુવતીઓ કદાચ આવું કહેતી પણ હશે!)
આટલે સુધી વાંચીને મને પત્ર લખનાર યુવાનને અને એના જેવી જ મૂંઝવણ અનુભવનાર હજારો યુવાન-યુવતીઓને પ્રશ્ન થશે કે અમારે આવા અશુભ કહેવાયેલા વર્ષમાં લગ્ન કરવાં કે નહિ એની તો વાત કરતા નથી. ભાઈ (અને અન્ય ભાઈબહેનો), આવા વર્ષમાં જ નહિ, કોઈ પણ સાલમાં લગ્ન ન કરવાં એવી સલાહ આપવા માટે લાંબી ભૂમિકા મેં બાંધી, પણ મને ખાતરી છે કે તમે મારી સલાહ નહિ માનો, એટલે મારી સલાહ છે કે જ્યોતીષીઓના કથનની પરવા કર્યા વગર જ્યારે યોગ જાગે ત્યારે જરૂર પરણો. લગ્ન સફળ થશે કે નહિ એની ચિંતા ન કરો, યાદ રાખો, લગ્ન એ હકીકત છે, સફળ લગ્ન એ કલ્પના છે! આમ છતાં, એક તત્ત્વચિંતકે લગ્નજીવન સફળ બનાવવા માટે આપેલી સલાહ તમને કહી સંભળાવું છું. એમણે કહ્યું છે કે, કોઈ પણ લગ્નજીવન આપોઆપ સફળ થતું નથી. એને સફળ બનાવવું પડે છે. લગ્નજીવન સફળ બનાવવા માટે પાયાની જરૂરિયાત છેઃ પરસ્પર પ્રેમ; પણ, એકલા સોનાનો ઘાટ ઘડી શકાતોે નથી; એમાં તાંબું ભેળવવું પડે છે એમ એકલા પ્રેમથી લગ્નજીવન સફળ ન થાય; એમાં સમજણનું તાંબું ભેળવવું પડે છે. આમાં મારા તરફથી એટલું ઉંમરવાનું છે કે આ સલાહ આપનાર તત્ત્વચિંતક પોતે અપરિણીત છે!

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત લેખકના પુસ્તક ‘ૐ હાસ્યમ’માંથી સાભાર.