અમિત શાહે રૂ. 347 કરોડના ખર્ચે બાંધવામાં આવેલ 925 આવાસોનું ઈ-લોકાર્પણ કર્યુ

 

નડિયાદ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સરદારની ભૂમિ એવા નડિયાદમાં અંદાજિત રૂપિયા 347 કરોડથી વધુના ખર્ચે પોલીસ આવાસ નિગમ દ્વારા નિર્માણ કરવામાં આવેલ 925 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

દેશના ગૃહ મંત્રી અમિત શાહે, ગુજરાત દેશમાં પોલીસ સેટિસફેક્ષન રેશીઓમાં મોખરે છે તે માટે મુખ્યમંત્રી તથા તેમના સાથી ગૃહ રાજ્ય મંત્રી અને સમગ્ર રાજ્ય પોલીસ તંત્રને આત્મીય અભિનંદન આપતાં જણાવ્યું કે સ્વતંત્રતા મળી ત્યારથી અત્યાર સુધીમાં દેશના પોલીસ દળોના 35 હજારથી વધુ જવાનોએ લોક સુરક્ષા અને સલામતી જાળવવા માટે સર્વોચ્ચ બલિદાનો આપ્યાં છે. હું નત મસ્તકે તેમની શહીદીનું સન્માન કરૂં છુ, દેશના આંતરિક સુરક્ષાના ઇતિહાસમાં તેમના નામ સુવર્ણ અક્ષરે લખાશે. સરદાર સાહેબે અખંડ ભારતની કલ્પના સાકાર કરી. તેઓ ના હોત તો ભગીરથ કામ થયું હોત. ભારતના એકીકરણ બાદ દેશના પોલીસ દળોએ દેશની આંતરિક સુરક્ષાની જવાબદારી સુપેરે નિભાવી છે. તમે પોલીસ દળને જરૂરી નવીન સુવિધાઓ આપીને, સતત દળનું નવીનીકરણ કરીને, પોલીસ જવાનો માટે હજારોની સંખ્યામાં આવાસો બાંધીને, બિન આવાસિય પોલીસ ઇમારતો બાંધીને રાજ્યની સુરક્ષા અને સલામતીને વધુ મજબૂત કરી છે. ભાજપ શાસન પહેલાના અસલામત અને અસુરક્ષિત ગુજરાતને મેં જોયું છે. ભૂતકાળની સરકારે ગુજરાતમાં લોકોને અંદરોઅંદર લડાવીને કાયદો અને વ્યવસ્થાના બુરા હાલ કર્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભાજપ સરકારોએ ગુજરાતને શાંત અને સલામત ગુજરાત બનાવ્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષાના પાયામાં રહેલા અદના સૈનિકો એવા પોલીસ દળના જવાનોના કાર્યને બિરદાવતાં જણાવ્યું હતુ કે, પોલીસ દળના જવાનો ગુજરાતની સુખ સમૃદ્ધિ અને સુરક્ષાના પાયાના પથ્થરો છે. ઠંડી હોય કે ગરમી હોય કે પછી વરસાદની પરિસ્થિતિ હોય કોઈપણ વિકટ પરિસ્થિતિમાં ગુજરાતની સુરક્ષાની ચિંતા કરી રહેલા પોલીસ દળના અદના સૈનિકોની સાથે તેમના પરિવારની પણ ચિંતા સરકાર કરી રહી છે. જેના પરીણામે રાજયમાં છેલ્લા બે દશકમાં રૂપિયા 3840 કરોડના ખર્ચે 31 હજાર પોલીસ આવાસો અને 1525 બિનરહેણાંક મકાનો, પોલીસ સ્ટેશનો, કચેરીઓનું નિર્માણ થયું છે.   

પ્રસંગે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને અપરંપાર જનમેદની સરદાર ભૂમિ નડિયાદના આંગણે હૃદયના હર્ષથી વધાવી લીધા હતા. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારત સરકારના સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ, રાજ્યના મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, રાજ્ય મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, નડિયાદ જિલ્લાના પ્રભારી મંત્રી મનીષાબહેન વકીલ, મુખ્ય દંડક પંકજ દેસાઈ અને મહાનુભાવો જોડાયાં હતાં.

ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યના 25 જિલ્લાઓમાં રાજ્ય સરકાર દ્વારા પોલીસ કર્મચારીઓને નિવાસની સુવિધા આપવા અને કચેરી ઉપયોગ માટે બાંધવામાં આવેલા 925 આવાસોનું લોકાર્પણ કર્યું હતું

પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર સંસ્થા, વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.