અમિત શાહને મળ્યા વિવેક અગ્નિહોત્રી કહ્યું કાશ્મીરી લોકોના અધિકારો માટે તમારા પ્રયત્નો પ્રશંસનીય

 

નવી દિલ્હીઃ ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ સમગ્ર દેશમાં આવરી લેવામાં આવી છે. દરેક જગ્યાએ ફિલ્મના વખાણ સાંભળવા મળી રહ્યા છે. આ જ કારણ છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરદસ્ત બિઝનેસ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલ્મના વખાણમાં ઘણું બધું કહ્યું હતું. ત્યારે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ફિલ્મની ટીમ સાથે મુલાકાત કરી છે. ધ કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ આ મીટિંગની તસવીરો શેર કરીને અમિત શાહનો આભાર માન્યો હતો.

વિવેક અગ્નિહોત્રીએ લખ્યું હતુ કે અમિત શાહજી, તમારા પ્રોત્સાહન માટે ખૂબ ખૂબ આભાર. કાશ્મીરી લોકો અને સેના માટે તમારો સતત પ્રયત્ન પ્રશંસનીય છે. શાંતિપૂર્ણ અને વિકસિત કાશ્મીર માટે તમારૂં વિઝન માનવતા અને ભાઈચારાને મજબૂત કરશે.

અન્ય એક ટ્વિટમાં વિવેકે લખ્યું હતુ કે, આર્ટિકલ ૩૭૦ નાબૂદ કરવાના સૌથી હિંમતવાન નિર્ણય બાદ અમિત શાહજીએ દિલો જોડવાનું કામ શરૂ કરી દીધું છે. મને કોઈ શંકા નથી કે કાશ્મીર માનવતા અને એકતાના ઉદાહરણ તરીકે ઉભરશે, જેને સમગ્ર વિશ્વ અનુસરશે. વિવેક અગ્નિહોત્રીએ અમિત શાહની મુલાકાતની તસવીરો શેર કરી છે. અમિત શાહ વિવેક સાથે અનુપમ ખેર અને પલ્લવી જોશીને ઉષ્માભરી રીતે મળતા જોઈ શકાય છે. વિવેક અગ્નિહોત્રીએ આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનતો એક વીડિયો પણ શેર કર્યો હતો.

દિગ્દર્શકે લખ્યું હતું કે, શત્રુ અને સત્ય પર આટલી જોરદાર ચર્ચા કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમારો આભાર. નવું ભારત ઉભરી રહ્યું છે. તેમણે વડાપ્રધાનનો જે વીડિયો શેર કર્યો હતો, તેમાં ફિલ્મના વખાણ કરવા સિવાય નરેન્દ્ર મોદીએ તેનો વિરોધ કરનારાઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું.