‘અમારા વાડાની એ રાયણ’

આટલે દૂર હજારો માઈલ આવ્યા છતાં અમારા વાડાની એ રાયણ મારો પીછો મૂકતી નથી. એનો ઘટાટોપ મોટો ઘેરાવ જાણે વિશાળ તંબુ જોઈ લો. એની શીતળ છાયામાં સહેજે સો માણસો સમાય. ઉનાળે ઠંડક અને શિયાળે હૂંફ આપે.
આ તો તેનો બાહ્ય દેખાવ થયો, પરંતુ તેનો આંતરિક ઇતિહાસ ઘણો પુરાણો અને લાંબોલચ છે. રાજરાણી જેવાં એનાં માનપાન અને મોભો હતાં. પાંચ પાંચ પેઢીઓની સાહ્યબી તેણે જોયેલી. મારાં દાદીમા નેવું વર્ષની ઉંમરે ધામમાં ગયેલાં. તેમણે મને કહેલું કે એ જ્યારે સાસરે આવેલાં ત્યારે એ રાજરાણી એવી ને એવી હતી. એના થડનું પોલાણ પણ એવું જ હતું કે જેમાં દસ માણસો સહેજે સમાઈ શકે. એના થડનો ઘેરાવ તો ચાર માણસોની બાથમાં આવે એવો હતો.

મારા બાપુજીએ કહેલું કે એ રાયણ નીચે ગાયકવાડ સરકારના ઘોડા બંધાયેલા. દાદા ગામના મુખી ને ઢગલાબંધ રાણીછાપ રૂપિયા જમીન મહેસૂલના આવતા. એ જમાનામાં કોગળિયાનો રોગ (મરકી) ફાટી નીકળેલો. લોકો ગામ છોડી સીમમાં છાપરે રહેવા ગયેલા, અમારા કુટુંબનું છાપરું ત્યારે એ રાયણ નીચે હતું.

જમીન મહેસૂલના આવેલા રાણીછાપ રૂપિયા એ રાયણ નીચેના છાપરામાં ખાડો ખોદી માટલામાં મૂકી ભોંયમાં ભંડારેલા. પછી ગાયકવાડ સરકારના અસવારો એ રૂપિયા લેવા આવેલા. મારા દાદા ઊંટ પર સવાર થઈને સિમેન્ટની થેલીમાં રાણીછાપ રૂપિયા લઈ એ અસવારો સાથે કડી મુકામે સરકારી કચેરીમાં જમા કરાવવા ગયેલા.
વળી મારાં દાદીમાએ કહેલું કે પહેલાં સામેના નેળિયેથી શ્રીજી મહારાજે (સહજાનંદ સ્વામીએ) કરજીસણ જતાં એ રાયણ પર અમીદષ્ટિ કરેલી અને એ પુણ્યશાળી બનેલી.

એક સમયે એ જમાનામાં પ્રખ્યાત બહારવટિયા ‘મીરખાં’એ ગામ ગોઝારિયા જતાં એ જ રાયણ તળે ઢાળો (બપોરે ઉતારો – વિસામો) કરેલો અને રોટલા ખાઈ પાસેના કૂવાનાં પાણી પીધેલાં. મારા પિતાજીએ તેમની જિંદગીનાં અડધાં ઉપરાંત વર્ષ એ રાયણની હૂંફમાં જ પસાર કરેલાં.

એ તો થઈ ગઈ અમારી પેઢીઓની વાત, પરંતુ અમારા અનુભવોનો ઇતિહાસ એથી પણ અનેરો છે.
એ વિશાળ રાયણની છાયામાં શાળાની રજાઓ દરમિયાન અમે રાતવાસો કરતા હતા. રાત્રે શિયાળવાં બોલતાં ત્યારે ખાટલામાં માથે ગોદડી ઓઢી લેતા. દિવસે હીંચકા બાંધી હીંચતા હતા. બાળગોઠિયા સાથે ગિલ્લી-દંડા અને સંતાકૂકડી રમતા અને ધીંગામસ્તી કરતા હતા. લગભગ આખું વેકેશન અમારો મુકામ ત્યાં રહેતો હતો.

પાસેના ધુવામાં (ઘાસનું છાપરું અડધું જમીનમાં) બળદો બંધાતા હતા, નજીકમાં બાજરીનાં ડૂંડાંનો અંબાર થતો. દિવસે બાજરીના પૂળા વીણતા ત્યારે છોકરાં રાયણ નીચે ઘર ઘર રમતાં. મા હાલરડું ગાતી. બાજુની ગમાણે ભેંસો પાડા અને બાપુજીની ઘોડી બંધાતી હતી. પાછળના ભાગમાં ખાણનો ઉકરડો ખડકાતો હતો. ભેંસો અને પાડા ભાંભરતાં અને વાતાવરણ જીવંત બની જતું હતું.

વળી રાયણની વિશાળ ઘટામાં મોર, પોપટ, કાબર અને તીતર વિસામો કરતાં હતાં. પક્ષીઓના કલરવથી વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી અને સઘળું ભર્યું ભર્યું બની જતું હતું. પક્ષીઓની પાંખના ફફડાટથી નીચે સૂતાં નાનાં છોકરાં જાગી જાય. છોકરાંની મા ખમ્મા ખમ્મા કરી ટપારી ફરી સુવાડે. બાદમાં ડૂંડાં લણતી જાય અને મધુર સ્વરે હાલરડું ગાતી જાય. કેવું પ્રાકૃતિક અદ્ભુત દશ્ય! દેવોને પણ દુર્લભ. અને ભરબપોરે પણ રાયણ તળે હેમાળો ઢળી જાય. વળી બપોર પૂરી થતાં કોશ જોડાય અને કોશિયો રામૈયા (ખેડૂત ગીત) ગાય. બળદોને પોરો ચઢે અને થાળામાં કોશ ભૂસ દઈને ઢળી પડે. પાણીના પરપોટા સાથે નિર્મળ નીર ખેતર પર ફરી વળે. સમય જતાં પાક લહેરાઈ જાય, વળી પાછા તે જ ખેડૂતોનો રાતવાસો તે જ રાયણ તળે. રાત્રિ જામી પડે. અન્ય ખેડૂતો સાથ ડાયરો ભરાય. ગામગપાટા મરાય અને ચલમોની ધૂણીના ગોટા તમાકુની ફોરમ સાથે હવામાં ફોરાઈ જાય. મોડી રાત્રે પોતાના માળામાં જઈ સૌ સૂઈ જાય.

હા, કેટલીક વાર રાયણ પર વાનરો પણ રાતવાસો કરવા આવે. પાસેના કૂવાની હવાડીમાંય પાણી પીવે અને સૂર્યાસ્ત બાદ શાંતિથી સૂઈ જાય. સવારે સૂર્યોદય થતાં હૂકા-હૂક કરી રવાના થઈ જાય.
એક સમયે અમે પણ તે રાયણ નીચે ગોગા મહારાજ (સાપ)ને સરકતા દીઠેલા. ત્યારથી નાગપંચમીએ નાળિયેર વધેરાય અને ઘીનો દીવો થાય, શેષ વહેંચાય.

એટલામાં માઘ માસ આવે. રાયણ ફુલાતાં વાતાવરણમાં મઘમઘાટ વ્યાપી જાય. મધમાખી અને ભમરા રાયણના ચોકમાં મધપૂડા બનાવે. એમના ગુંજારવમાં મધુર દિવ્ય સંગીત હવામાં રેલાય. ધીરે ધીરે રાયણાં પાકે અને ડાળીઓ પર સોનાની બુટ્ટીઓ શોભી ઊઠે. એ મીઠાં – મધ જેવાં રાયણાંનો સ્વાદ ચાખવા જીભ લબકારા મારે. મુઠ્ઠી નીચે પડેલાં રાયણાં આરોગીને અમે તૃપ્ત થઈ જતા.

ઉનાળો બેસતાં ફરી પાછી રાયણ તળે શીતળતા ફેલાય. નીચે ઘઉંના પોંક શેકાય. ચણા, જુવારના ઓળા થાય, બપોરે ઘેરથી ભતવારાં આવે અને રાયણ નીચે બેસી શાક, રોટલા અને છાશની ઉજાણી થાય. ભાતાં ખાય અને દાડિયાં સહિત સૌ ઢાળો કરે.કાળક્રમે એ રાયણ નીચે અમારું અડધું આયખું પૂરું થયું.

સમય જતાં થોડું ઘણું ભણ્યા-ગણ્યા અને એ સીમ-ખેતરો છોડી માદરે વતનને સલામી મારી વસમી વિદાય લીધી. એ વિદાય લીધે આ પરદેશની ધરતી પર પચીસ વર્ષ વીતી ગયાં છતાં એ રાયણની માયા-મમતા હજી પણ અમારા હૈયામાં ઉલાળા મારે છે. એ ભોળા ખેડૂતો અને રાયણ તળે લણણી કરતાં મા-બહેનો અને વહુવારુઓ સ્મૃતિપટ પર જેવાં ને તેવાં જ અકબંધ છે.
બાર વર્ષે બાવો જાગ્યોની જેમ ગયા વર્ષે દિવાળી પર ઇન્ડિયા જવાનું થયું ત્યાં વતનના એ વગડા અને રાયણનાં દર્શન કરવાને મન તડપી રહ્યું. મનની મથામણ વચ્ચે એ જૂનાં સ્મરણો તાજાં થયાં અને વગડાની વાટ પકડી. વાંકળો વટાવી ધૂળિયા રસ્તે રાબામાંથી પસાર થતાં આડો સાપ ઊતર્યો. પેટમાં ફાળ પડી અને કંઈક અજુગતા વાવડનાં એંધાણ વર્તાયાં. નેળિયું વટાવી વાડામાં જઈ પહોંચ્યો. અધીરા મને રાયણના સ્થળે દષ્ટિપાત કરતાં ધૂળનો ઢગલો દેખાયો. મન માનતું નહોતું છતાં જે જોયું તે હકીકત હતી. એ રાયણનો ભવ્ય ભૂતકાળ અને વૈભવ દષ્ટિ સમક્ષ ખડાં થયાં. આંખમાં ઝળઝળિયાં આવ્યાં, અને મન ક્ષુબ્ધ થઈ ગયું. ભગ્ન હૃદયે એ ધૂળના ઢગલાને મનોમન વંદન કરી વીલેે મોઢે પાછો ફર્યો. વળતાં રસ્તે આવતાં અંબારામભાઈ મળ્યા અને ફોડ પાડ્યો કે ગયે વર્ષે વાવાઝોડામાં રાયણ ભાંગીને ભુક્કો થઈ ગઈ હતી.
એ વેરાન વગડાની સૂકીભટ ભૂમિનાં દર્શન થતાં મારું હૃદય દુઃખથી વલોવાઈ ગયું. એ થોરની વાડના ંકંથેરનાં જાળાંમાંથી કાંગલાએ કલબલાટ કર્યો. ‘જે જોયું તે જાય…’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here