અમરેલીના આંબરડી સફારી પાર્કને વર્લ્ડ ક્લાસ લાયન સફારી પાર્ક તરીકે વિકસાવાશે

 

ગાંધીનગરઃ આંબરડી સફારી પાર્કમાં વર્લ્ડ ક્લાસ વ્યવસ્થાઓ ઊભી કરી વિશ્વના પ્રવાસન નકશા પર એશિયાટિક લાયનના દર્શનીય સ્થાન તરીકે ચમકાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગીરના સાવજ માટે કુદરતી વાતાવરણમાં વિહાર કરવાની જે સુવિધા છે તેવી સુવિધા સાથે અમરેલીના ધારી નજીકના આંબરડી સફારી પાર્કને પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવનાર છે. આંબરડી સફારી પાર્કમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ૨૫.૬૭ કરોડના ખર્ચે હાથ ધરાનારા યાત્રી વિકાસ કામોનાં ઈ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, વન્ય પ્રાણીસૃષ્ટિના સંવર્ધનની રાજ્ય સરકારની કામગીરીના પરિણામે રાજ્યમાં પાંચ વર્ષમાં સિંહોની વસતીમાં ૨૯ ટકાનો વધારો થયો છે અને ગીર વિસ્તાર બહાર હવે આંબરડીમાં પણ સિંહ દર્શનનો લાભ પ્રવાસીઓને મળશે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં ગાંધી ટુરિસ્ટ સર્કિટ અન્વયે મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદરથી શરૂ કરીને તેમના અભ્યાસ સ્થળ રાજકોટ, સાબરમતી આશ્રમ અને દાંડી સોલ્ટ મ્યુઝિયમની પ્રવાસન સુવિધા વિકસાવી છે. એટલું જ નહીં બૌદ્ધ ટુરિઝમ સર્કિટ અને કચ્છની ઇન્ટરનલ ટુરિઝમ સર્કિટમાં ભૂકંપના મૃતાત્માઓની સ્મૃતિમાં તૈયાર થયેલું સ્મૃતિ વન, અંજારમાં વીર બાળ ભૂમિ, માતાના મઢ, નારાયણ સરોવર અને ધોળાવીરાની ટુરિઝમ સર્કિટ પણ વિકસાવવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીઐ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગુજરાતમાં અપાર પ્રવાસન વૈવિધ્ય છે. સોમનાથ, દ્વારકા, પાવાગઢ, અંબાજી, પાલીતાણા જેવા યાત્રા તીર્થધામો સાથોસાથ શિવરાજપુર બીચ સહિત સમુદ્ર કાંઠે પ્રવાસન પ્રવૃત્તિ અને પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા નડાબેટમાં સીમા દર્શનથી બોર્ડર ટુરિઝમ પણ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. આ બધા જ પ્રવાસનધામોને સુવિધા સભર બનાવવા સાથે ગિરનાર રોપ-વે, ઉપરકોટ કિલ્લો, જૂનાગઢ, સાસણ, સોમનાથ અને હવે આંબરડી પણ ભવ્ય વિરાસત બને તેવી આપણી નેમ છે.

તેમણે કહ્યું હતું કે, આવા સર્વગ્રાહી પ્રવાસન ટુરિઝમ વ્યવસ્થાપનથી આપણે ‘ગુજરાત નહીં દેખા તો કુછ નહી દેખા’ પ્રસ્થાપિત કરવા માગીએ છીએ. આંબરડી સફારી પાર્ક કાર્યરત થતાં ધારી પ્રવાસન પ્રવૃત્તિથી ધમધમતું થશે એટલું જ નહીં ટ્રાવેલ, ટેક્સી, હોટલ અને ખાનપાન વ્યવસાયને પણ નવું બળ મળતાં સ્થાનિક રોજગારીની વ્યાપક તકો ખૂલશે. તેમણે આંબરડી આસપાસ દીપડાની મોટી સંખ્યા છે તે સંદર્ભમાં ભવિષ્યમાં આ વિસ્તારમાં દીપડા સંરક્ષણ સંવર્ધનનું નવું નજરાણું વિકસાવવાની નેમ પણ દર્શાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here