અમરનાથ યાત્રીઓ માટે સુવિધામાં વધારો

 

જમ્મુઃ અમરનાથ યાત્રા માટે ૧૧ એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ થશે. કોરોના મહામારીના કારણે બે વર્ષથી આ યાત્રા બંધ હતી. હવે ૪૩ દિવસીય યાત્રા ૩૦ જૂનથી ફરી શરૂ થશે. આ સ્થિતિમાં શ્રદ્ધાળુઓના સ્વાગત માટે જમ્મુ-કાશ્મીર તંત્રે કમર કસી છે. ઊંચાઈવાળા સ્થળે બરફ હટાવવાનું કામ પણ શરૂ કરાયું છે. ત્યાર પછી ટ્રેકનું સમારકામ પણ શરૂ થશે.

પવિત્ર ગુફાના રસ્તામાં શ્રદ્ધાળુઓને રોકાવા માટે બની રહેલા યાત્રી નિવાસનું કામ પૂરૂં કરવા યુદ્ધ સ્તરે કામ ચાલી રહ્યું છે. રામબન જિલ્લામાં ચંદ્રકોટ યાત્રી નિવાસનું કામ અંતિમ તબક્કામાં છે. તેમાં આશરે ૩૨૦૦ લોકો રોકાઈ શકશે. શ્રીનગરના પંથા ચોક નજીક પણ નવા યાત્રી નિવાસનું કામ ચાલે છે, જ્યાં આશરે ૨૨૫૦ લોકો રોકાઈ શકશે. આ સિવાય જમ્મુમાં ત્રણ હજાર લોકોની ક્ષમતાના યાત્રી નિવાસનો પણ મેકઓવર કરાઈ રહ્યો છે. આ યાત્રી નિવાસથી શ્રદ્ધાળુઓને સારી એવી સુવિધા મળશે.

જમ્મુથી યાત્રીઓએ રામબન સ્થિત યાત્રી નિવાસ તરફ મોકલી શકાશે. એવી જ રીતે, શ્રીનગરથી ગુફા મંદિર પાસે ટેન્ટ સિટી સુધી યાત્રા વધારી શકાશે. આ ઉપરાંત આ યાત્રી નિવાસ એ ટ્રક ડ્રાઈવરો માટે પણ વરદાનરૂપ સાબિત થશે, જે હિમવર્ષા વખતે રામબન નજીકના હાઈવે પર ફસાઈ જતા હતા.

બોર્ડ સામે આ વર્ષે વધતા તાપમાન વચ્ચે બાબા બર્ફાનીને લાંબા સમય સુધી જાળવી રાખવા મોટો પડકાર હશે. ગુફાનું તાપમાન ૪-૫ ડિગ્રી રાખવું પડશે. તેના માટે ગર્ભગૃહમાં મોટી સંખ્યામાં તીર્થયાત્રીઓની અવર-જવર અટકાવવી પડશે. ગુફામાં હ્યુમન ઈન્ફા રેડિયેશનને લીધે તાપમાન ૧૦ ડિગ્રી સુધી પહોંચે છે. તેનાથી શિવલિંગ ઝડપથી પીગળે છે. ષ્ટમ્મુથી લઇને ખીણમાં સંપૂર્ણ યાત્રા રૂટ પર સુરક્ષાની કડક વ્યવસ્થા કરાશે. અર્ધસૈનિક દળોની ૬૦ કંપનીઓ તહેનાત કરાશે. યાત્રા માર્ગ પર વિસ્ફોટકોને શોધી કાઢવા માટે સ્રાઈપર ડોગ તહેનાત રહેશે. પર્વતીય બચાવદળને તહેનાત કરવા ઉપરાંત, પ્રશાસન યાત્રીઓ માટે સ્વાસ્થ્ય દેખરેખની શિબિર પણ આયોજિત કરશે. ત્રણ હેલિપેડથી એરટેક્સીની સુવિધા મળશે.