અમદાવાદ, હિંમતનગર, પાલનપુરમાં કોરોના વાઇરસના ત્રણ શંકાસ્પદ કેસો

 

અમદાવાદઃ કોરોના વાઇરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં અમદાવાદ, હિંમતનગર ઉપરાંત પાલનપુરમાં કોરોનાના વધુ ત્રણ શંકાસ્પદ કેસો નોંધાયા છે. જોકે અત્યારસુધી ૫૯ શંકાસ્પદ દરદીઓના લોહીના નમૂના લેવાયા હતા, એ પૈકી ૫૬ દરદીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હજુ સુધી ગુજરાતમાં એકપણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. અમદાવાદમાં સિગાપોરના પ્રવાસેથી પરત ફરેલા ચાર પુરુષમાં કોરોના વાઇરસનાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યાં છે, જેને કારણે તેમને અમદાવાદ સિવિલમાં દાખલ કરાયા છે. આ જ પ્રમાણે, હિંમનગરના એક પુરુષ બે દિવસ પહેલાં જ નેપાળથી પરત ફર્યો છે, તેનેે શરદી, ખાંસી અને તાવની ફરિયાદ કરતાં હિંમતનગર સિવિલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો છે. પાલનપુરમાં થાઇલેન્ડ જઈને પરત ફરેલા એક પુરુષનેય સિવિલમાં દાખલ કરાયો છે. આ ત્રણેય દરદીઓના લોહીનાં સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે. આવતીકાલ સુધીમાં એના રિપોર્ટ્સ આવી જશે.