અમદાવાદ, સુરતમાં રસીકરણ ઠપ

 

અમદાવાદઃ રસીના ડોઝની અછતને કારણે અમદાવાદ અને સુરત સહિત અનેક શહેરોમાં ૪૫ વર્ષથી વધુ વયના લોકો માટેનો રસીકરણ કાર્યક્રમ બંધ કરાયો હતો. અમદાવાદ મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર શહેરી વિસ્તારના સ્વાસ્થ્ય કેન્દ્રો, કમ્યુનિટી સ્વાસ્થ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલો અને હોલ્સમાં સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઇન વર્કર્સ માટે પણ રસીકરણ બંધ કરવામાં આવ્યું છે. સુરતની મહાનગરપાલિકાએ પણ જણાવ્યું હતું કે કોવિશિલ્ડના ડોઝના અભાવે એમણે ૪૫ વર્ષથી વધુ વયના લોકો, સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઇન વર્કર્સ માટે મંગળવારે રસીકરણ બંધ કર્યું હતું. બુધવારે પણ આ લોકો માટે રસીકરણનો કાર્યક્રમ બંધ રહેશે. જોકે, ૪૫ વર્ષથી વધુ વયની વ્યક્તિઓ માટે કોવેક્સિન અને ૧૮થી ૪૪ વર્ષની વ્યક્તિઓ માટે કોવિશિલ્ડના ડોઝ આપવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. ગુજરાતમાં સોમવારે ૧,૪૧,૮૩૪ વ્યક્તિને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા અને આ સાથે રાજ્યમાં કુલ ૧,૨૫,૭૩,૨૧૧ રસીના ડોઝ આપાયા છે.