અમદાવાદ સાયન્સ સિટીમાં ‘નશામુક્ત ભારત’ કાર્યક્રમ યોજાયો

 

અમદાવાદ: અમદાવાદ સાયન્સ સિટીમાં આર્ટ ઓફ લિવિંગ અને ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીના ઉપક્રમે આઝાદીકા અમૃત મહોત્સવના ભાગરૂપે નશામુક્ત ભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સ્થાપક ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર મહારાજ ઉપરાંત ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. 

આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર મહારાજ છેલ્લાં ૧૫ વર્ષથી દેશભરમાં નશામુકત ભારતના કાર્યક્રમો ચલાવે છે, જે ખૂબ જ પ્રેરણાદાયક છે. આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસે છેલ્લા દોઢ વર્ષમાં ૫,૩૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડીને યુવાનોનું જીવન બચાવ્યું છે. ડ્રગ્સ માફિયાઓની નાણાકીય શક્તિ પર પ્રહાર કરવાની સાથે સાથે યુવાનોને વ્યસનમાંથી મુક્ત રાખવા માટે સરકાર તથા પોલીસ વિભાગ પ્રયત્નશીલ છે. 

આ પ્રસંગે શ્રી શ્રી રવિશંકર મહારાજે જણાવ્યું હતું કે, ગુજરાતની સંસ્કૃતિ અને અહીંના લોકોની કળા અને પ્રેમ જોઈને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. કોઈપણ માનવીમાં ચિંતા ખૂબ જ વધુ માત્રામાં વધી જાય છે ત્યારે તેઓ તે ચિંતામાંથી મુક્ત થવા માટે નશાકારક પદાર્થોનું સેવન કરે છે અને તેનાથી તેઓ ડ્રગ્સના રસ્તા તરફ વળે છે અને પોતાની જિંદગી ખોઈ બેસે છે. આ પરિસ્થિતિ ખૂબ જ દુ:ખદાયક છે, આ પરિસ્થિતિમાંથી લોકોને બહાર લાવવા માટે નશામુકત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓને ઁ‘નશા ન કરેંગે ઔર ન કરને દેંગે’ની પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીના કુલપતિ ડો. પંકજ રાય પટેલ, જીટીયુના રજીસ્ટ્રાર ડો. કે એન ખેર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.