અમદાવાદ શહેરમાં નવા ૧૪૬ કેસ, નવા ૨૩ વિસ્તાર માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર

 

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં બુધવારે કોરોના વાઇરસના નવા ૧૪૬ કેસ સામે આવ્યા છે. તો અમદાવાદ ગ્રામ્યમાં ૧૭ નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાને કારણે વધુ ચાર વ્યક્તિનાં મૃત્યુ થયા છે. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કુલ ૨૯,૪૯૦ કેસ નોંધાયા છે. તો કોરોનાથી અત્યાર સુધી ૧,૬૭૧ દર્દીઓનાં મૃત્યુ પણ થયા છે. રિકવર થયેલા દર્દીઓની સંખ્યા ૨૪,૪૨૨ છે. તો નવા કેસની સાથે અમદાવાદ શહેરમાં કન્ટેઈનમેન્ટ વિસ્તારની સંખ્યા પણ વધી છે. 

અમદાવાદ મહાનગર પાલિકાએ વધુ ૨૩ વિસ્તારને કન્ટેઈન્મેન્ટ જાહેર કર્યાં છે, તો અગાઉના ૧૫ વિસ્તારને બાકાત કરવામાં આવ્યા છે. આમ શહેરમાં કન્ટેઈન્મેન્ટ વિસ્તારની સંખ્યા ૨૪૮ પર પહોંચી ગઈ છે. એક તરફ અમદાવાદમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે તો બીજીતરફ માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારની સંખ્યામાં વધારો પણ થઈ રહ્યો છે. શહેરના ઇસનપુર વિસ્તારના સમ્રાટનગરમાં કોરોનાના સંક્રમણના પ્રસારની શંકાને કારણે કોર્પોરેશને આ સમગ્ર વિસ્તારને માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર કરી દીધો છે. અહીં આશરે ૫૦૦૦ જેટલી વસ્તી છે. મનપાએ બુધવારે ૭૩૨ સેમ્પલની ચકાવણી કરી જેમાં ૨૮ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે.