અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કોટ્રનો ચુકાદો દેશમાં પ્રથમવાર 38ને એક સાથે ફાંસી

 

અમદાવાદ: 29 જુલાઇ, 2008નો એ ગોઝારા દિવસે અમદાવાદ શહેરમાં એક પછી એક શ્રેણીબદ્ઘ બોમ્બ ધડાકા થયા અને કેટલાય નિર્દોષોના લોહીથી શહેરની ભૂમિ રક્તરંજિત બની ગઇ. કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા. આતંકીઓનું આ કૃત્ય કોઇ પાષાણ કાળજાના માનવીને પણ પીગળાવી દેનાર હતું. ગુજરાત જ નહીં, સમગ્ર માનવજાતના દુશ્મન એવા આ કેસના 49 દોષિતોમાંથી સ્પેશિયલ કોર્ટે 38 નરાધમોને ફાંસી અને 11ને જિંદગીના છેલ્લા શ્ર્વાસ સુધી કેદની સજા સંભળાવી છે. આ દોષિતોને કલમ 302, રાજદ્રોહ અને યુપીએપીએ હેઠળ સજા ફટકારી છે. દેશના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 38ને ફાંસીની સજા આપવામાં આવી છે. આ પહેલા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કેસમાં 26ને ફાંસીની સજા આપવામાં આવી હતી. હાલમાં આરોપીઓ અમદાવાદ, મધ્યપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રની જેલમાં બંધ છે. કોર્ટે એક સિવાય તમામ દોષિતોને ‚. 2.85 લાખનો દંડ ફટકાર્યો છે અને આરોપી નંબર 7ને ‚. 2.88 લાખનો દંડ કર્યો છે. આ દંડની રકમમાંથી મૃતકોને ‚. 1 લાખનું વળતર, વધુ ઇજાગ્રસ્તોને ‚. 50 હજારનું વળતર અને સામાન્ય ઇજાગ્રસ્તોને ‚. 25 હજારનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં 77માંથી 51 આરોપીઓ બંધ છે. તમામ આરોપીઓને વીડિયો કોન્ફરન્સથી હાજર રાખવામાં આવ્યા હતાં. જેલમાં જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વીડિયો કોન્ફરન્સથી સુનાવણી ચાલી હતી. કુલ દોષિતોમાંથી 32 હાલ સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે. સજાની સુનાવણી અગાઉ તેમના વકીલ તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે દોષિતોને સુધારાનો અવકાશ છે. જોકે સ્પેશિયલ કોર્ટે બચાવ પક્ષની એકપણ દલીલ ગ્રાહ્ય રાખી ન હતી અને બ્લાસ્ટને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવી આતંકીઓ પર કોઇ રહેમ રાખી ન હતી. કોર્ટે સજા સંભળાવતી વખતે કહ્યું હતું કે ભારતનુંં આ સૌથી મોટું આતંકી કાવત‚ છે તેથી દોષિતોને કડકથી કડક સજા કરવામાં આવશે. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં 78 આરોપીઓ હતાં. બાદમાં એક આરોપી સરકારી સાક્ષી બન્યો હતો. જેના કારણે કુલ 77 આરોપી બનાવવામાં આવ્યા હતાં. 13 વર્ષના લાંબા ટ્રાયલ દરમિયાન 1163 સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતાં. પોલીસ અને કાયદાકીય એજન્સીઓએ 6 હજારથી વધુ પુરાવા રજૂ કર્યા હતાં. 6752 પાનાના ચુકાદામાં અમદાવાદની સ્પેશિયલ કોર્ટના જજ અંબાલાલ પટેલે 49 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતાં જ્યારે પુરાવાના અભાવે 28ને નિર્દોષ જાહેર કર્યા હતાં.

આ સિરિયલ બ્લાસ્ટ કેસમાં વડોદરાના પાંચ આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવીને ફાંસીની સજા સંભળાવી છે. દોષિતોમાં વડોદરાના બે ભાઇઓ પણ સામેલ છે. કોર્ટે વડોદરાના 4 દોષિતોને ‚. 2.85 લાખનો દંડ ફટકાર્યો છે, જ્યારે એક દોષિત મોહંમદ ઉસ્માનને સૌથી વધુ ‚. 2.88 લાખ દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે પાંચ પૈકી એક દોષિત ઇકબાલ શેખે ઠક્કરનગરમાં બોમ્બ સાથેની સાઇકલ મૂકી હતી અને એએમટીએસની બસ નં. 150માં બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો. આ સમગ્ર કેસમાં વડોદરાના બે ભાઇઓ કયામુદ્દીન કાપડિયા અને રફીયુદ્દીન કાપડિયા સહિત મોહંમદ ઉસ્માન મોહંમદ અનીસ અગરબત્તીવાળા, ઇમરાન ઇબ્રાહિમ શેખ અને ઇકબાલ કાસમ શેખને ફાંસીની સજા સંભળાવી છે.

આ સિરિયલ બ્લાસ્ટ કેસનો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા આ કેસના 79 દોષિતોમાંથી 38 દોષિતોને ફાંસીની સજા ફટકારી છે જ્યારે 11 દોષિતોને આજીવન કેદની સજા કરાઇ છે. દેશમાં 24 વર્ષ બાદ એક સાથે આટલી સંખ્યામાં કોર્ટ દ્વારા દોષિતોને ફાંસીની સજા અપાઇ છે. આ પહેલા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યામાં સામેલ 26 દોષિતોને 1998માં સ્પેશિયલ કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. રાજીવ ગાંધીની 21 મે, 1991ના રોજ ચેન્નાઇ નજીક શ્રીપેરમ્બદુરમાં ચૂંટણી રેલી દરમિયાન એક મહિલા આત્મઘાતી બોમ્બર દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ બ્લાસ્ટમાં 18 લોકોના મોત થયા હતાં જેની સુનાવણી સ્પેશિયલ કોર્ટમાં ચાલી હતી. કેસમાં 1 હજાર સાક્ષીઓએ લેખિતમાં જુબાની આપી હતી. 288એ પ્રત્યક્ષ જુબાની આપી હતી. 1477 દસ્તાવેજ કોર્ટમાં જમા કરાયા હતાં. જેમાં અનુક્રમે કુલ 10000થી વધુ પેજ હતાં. જે બાદ 26 દોષિતોને ફાંસીની સજા ફટકારાઇ હતી. જોકે બાદમાં 2000માં મહિલા આયોગના હસ્તક્ષેપ બાદ દોષિત નલિનીની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી.

સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આજે સજા સંભળાવવામાં આવી છે. અગાઉ દોષિતોના વકીલ અને સરકારી વકીલો દ્વારા દલીલ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, કોર્ટે કલમ 302 અંતર્ગત ફાંસી અને જીવનના છેલ્લા શ્ર્વાસ સુધી જેલની સજા ફટકારી છે. આતંકી કૃત્ય અને યુપીએપીએની કલમો હેઠળ સજા ફટકારવામાં આવી છે. આ કેસ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here