અમદાવાદઃ એનઆઇડીથી ડો. આંબેડકર બ્રિજના વિસ્તારમાં તૈયાર થનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કબડ્ડી, સ્કેટિંગ રિંગ, ખો-ખો, ટેબલ ટેનિસ, બાસ્કેટબોલ, સ્વિમિંગ પૂલ, વોલીબોલ, ક્રિકેટ, જિમ્નેશિયમ સહિતની સુવિધાઓ ઊભી કરાશે. સાબરમતી રિવરફ્રન્ટ પર મલ્ટિપલ ગેમ સાથેનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિન્થેટિક વોક-વે, જોગિંગ ટ્રેક બનાવવા ક્વાયત હાથ ધરાઈ રહી છે.
રિવરફ્રન્ટના પૂર્વ કિનારે શાહપુર વિસ્તાર નજીક આવેલી માસ્તર કોલોની પાસેની જગ્યામાં પણ નાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની હિલચાલ હાથ ધરાઈ છે. આમ, નજીકના ભવિષ્યમાં શહેરીજનોને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નવું નજરાણું મળશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે તૈયાર થઈ રહેલા સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં લાખો હેક્ટર જમીન સંપાદન કરાશે. મ્યુનિ.ના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં સંપાદિત થનારી જમીન પૈકી 85 ટકા જમીનનો જાહેર હેતુ માટે ઉપયોગ કરાશે. રિવરફ્રન્ટની પશ્ચિમ બાજુએ એનઆઇડીથી ડો. આંબેડકર બ્રિજ સુધીના એરિયામાં અદ્યતન સુવિધા સાથેનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સિન્થેટિક વોક-વે, જોગિંગ પાર્ક બનાવાશે. અમદાવાદનાં મેયર બિજલ પટેલ અને નેતા અમિત શાહના પ્રયાસોને ધ્યાનમાં લઈને રમતગમત સંકુલ બનાવવાની દિશામાં ચક્રો ગતિમાન થયાં છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્કેટ બોર્ર્ડિંગ બનાવાશે, ટેનિસ બેડમિંગ્ટન, ક્રિકેટ જેવી આંતરરાષ્ટ્રીય રમતગમત ઉપરાંત દેશી રમતોને પ્રોત્સાહન મળે તે માટે અલગ મડ પીટ બનાવાશે.