અમદાવાદમાં બિલ્ડરે પત્ની અને બે પુત્રીની ગોળી મારી હત્યા કરી


અમદાવાદઃ અમદાવાદના પોશ વિસ્તાર બોડકદેવના રત્નમ ટાવરમાં રહેતા અને ઇન્ડસ્ટ્રિયલ કન્સ્ટ્રક્શનનો ધંધો કરતા બિલ્ડર ધર્મેશ શાહે પત્ની અમી અને બે દીકરી હેલી-દીક્ષાની ગોળી મારી હત્યા કરી હતી. મૂળ શાહપુરના વતની ધર્મેશ શાહ 20 વર્ષ અગાઉ અમદાવાદમાં રહેવા આવ્યા હતા અને કન્સ્ટ્રક્શનનો બિઝનેસ શરૂ કર્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી ધંધામાં નુકસાન થતાં તેઓ આર્થિક ભીંસમાં આવી ગયા હતા અને રૂ. 15 કરોડનું દેવું થયું હતું. તેમની મોટી દીકરી 24 વર્ષની હેલી આર્કિટેક્ટ થયેલી હતી. તેમની બીજી પુત્રી 19 વર્ષની દીક્ષા હતી. દીક્ષા પણ સેપ્ટના એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.
સેપ્ટ યુનવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યા પછી એમબીએના અભ્યાસ માટે હેલીને ઓસ્ટ્રેલિયા મોકલવા પત્ની અમીબહેન જીદ કરતાં હતાં. હેલીને ઓસ્ટ્રેલિયા મોકલવાનો ખર્ચ રૂ. 70 લાખ થતો હતો. આથી ધર્મેશભાઈએ પત્ની અને હેલીને કહ્યું હતું કે અત્યારે આટલાં બધાં નાણાંની સગવડ થાય તેમ નથી. હેલીને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે એક અઠવાડિયાથી ઘરમાં ઝઘડો ચાલતો હતો. સોમવારે રાતે પણ મોડે સુધી અમીબહેન અને ધર્મેશભાઈ વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી મંગળવારે સવારે ધર્મેશભાઈએ લાઇસન્સવાળી રિવોલ્વરમાંથી પત્નીને ગોળી મારી મોતને ઘાટ ઉતારી હતી. આ પછી હેલીના રૂમમાં ગયા હતા અને બે ગોળી મારી હતી. ત્યાર પછી દીક્ષાના બેડરૂમમાં જઈ તેને પણ બે ગોળી મારી હત્યા કરી હતી.
પત્ની અને બન્ને દીકરીઓની ગોળી મારીને હત્યા કર્યા પછી ધર્મેશે રિવોલ્વર પોતાના લમણે મૂકી ગોળી મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હિંમત ન ચાલતાં મિત્રને ઘરે બોલાવી પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો અને સમગ્ર કાંડની કબૂલાત કરી હતી.