અમદાવાદમાં નવતર મેડિકલ કેમ્પ યોજાયોઃ મુસ્લિમ યુવાનોની સરાહનીય સેવા

 

અમદાવાદઃ અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં થતી બિમારીઓ અને એ અંગે લોકોમાં ઉદાસીનતાથી સજાગ કરાવવા રખિયાલનાં સ્થાનિક મુસ્લિમ યુવાનોએ એક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં સેંકડો લાભાર્થીઓએ લાભ લીધો હતો.

અમદાવાદનાં રખિયાલ જેવા ઔદ્યોગિક અને શ્રમજીવી વિસ્તારમાં રહેતા લોકો પોતાનાં જીવનનિર્વાહમાં સતત વ્યસ્ત રહેવાને કારણે નાની-મોટી બિમારીઓને અવગણી અનેક રીતે પીડાતા હોય છે. આ વિસ્તારનાં જ કેટલાંક મુસ્લિમ યુવાનોએ આ અંગે લોકોમાં સભાનતા અને સ્વાસ્થ્ય જાગૃતિ કેળવવા એક નવતર ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું. 

ફ્રી મેડિકલ કેમ્પમાં કીડની, ઓર્થોપેડિક, જનરલ સર્જરી, યુરોલોજી, કાર્ડિયાક, પિડીયાટ્રીક, જનરલ મેડિસીન અંગે લોકોને નિઃશુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું. ‘ફ્રેન્ડ સપોર્ટીંગ ક્લબ’ના નેજા હેઠળ સોએબઅલી અન્સારી (રાજા), નવાઝઅલી, સરફરાજ આલમ, શાહનવાઝ આલમ મિત્રોએ આ સફળ કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં સ્થાનિક ધારાસભ્ય હિંમતસિંહ પટેલ સહિત અનેક અગ્રણીઓએ હાજર રહી આ સમાજસેવાની પ્રવત્તિને બિરદાવી હતી.

કેમ્પનાં આયોજન અંગે સોએબઅલી અન્સારી (રાજા)એ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં સ્વાસ્થ્યલક્ષી પ્રશ્નોથી પીડાતા લોકોમાં જાગૃતિ લાવવા અમે આ કેમ્પનું નિઃશુલ્ક આયોજન કર્યું હતું. જેમાં તબીબી સલાહ સહિત તાત્કાલિક દવાઓ અને નંબરનાં ચશ્માનું મફત વિતરણ કોઈપણ પ્રકારના ભેદભાવ વગર દરેક કોમનાં દર્દીઓને કરવામાં આવેલ, જેમાં બે હજારથી પણ વધુ લાભાર્થી દર્દીઓએ લાભ લીધો હતો