અમદાવાદમાં નમો પુસ્તક પરબ જ્ઞાનયજ્ઞ શરૂ

 

અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાનો સંકલ્પ કેટલા લોકોને પુસ્તક વાંચતા કરી શકે છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રત્યક્ષ નીહાળવું હોય તો કર્ણાવતીના મણીનગર વિસ્તારમાં ઉત્તમનગર બગીચા પાસે રવિવારે સવારે નવથી બાર એક આંટો જરૂર મારો! અહીં બગીચાની બહાર ફૂટપાથ પર ભાજપના ખૂબ પરિશ્રમી પ્રદેશ મંત્રી મહેશભાઇ કસવાલા અને ટીમે નમો પુસ્તક પરબ નામે સાચા અર્થમાં એક જ્ઞાનયજ્ઞ શરૂ કર્યો છે. આવો જ એક વિચાર ખાડિયાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટને આવેલો અને એમણે પણ ખાડિયામાં આવી જ પુસ્તક પરબ શરૂ કરી.  મહેશભાઇ કસવાલા અને તેમની સમગ્ર ટીમ દર રવિવારે સવારે ફૂટપાથ પર પુસ્તકો પાથરીને પુસ્તક પરબ શરૂ કરી દે!

લોકો આવે. પુસ્તક જૂએ અને ગમે તો ઘરે લઇ જાય. અઠવાડિયું- બે અઠવાડિયું વાંચે અને પછી પાછું આપી જાય. પાછું ન આપે તો ય વાંધો નહીં! ઉદ્દેશ્ય એક જ છેઃ પુસ્તકો વાંચો! પુસ્તક લઇ જાય તેનો કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. વળી, અહીં માત્ર પુસ્તક વાંચવા લઇ જનાર લોકો જ આવતા નથી, પુસ્તકો દાનમાં આપી જનારા પણ ઘણા લોકો અહીં આવતા રહે છે. પોતાના ઘરમાં વસાવેલા વાંચવા લાયક પુસ્તકો લોકો અહીં દાનમાં આપી જાય છે. 

નમો પુસ્તક પરબમાં જ્ઞાન, વિજ્ઞાન, નવલકથા, મહાપુરુષોના જીવન ચરિત્રો, ધાર્મિક તેમજ સ્પર્ધાત્મક સાહિત્ય જેવા સેંકડો પ્રકારના પુસ્તકો અહીં તમને જોવા મળશે. મોદીસાહેબનો પુસ્તક પ્રેમ કોઇથી અજાણ્યો નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારે એમણે વાંચે ગુજરાત અભિયાન શરૂ કરેલું. ઉત્તમનગરના બગીચા પાસે ચાલતી નમો પુસ્તક પરબ એ જ અભિયાનને જાણે આગળ ધપાવતા હોય એવો ઉત્તમ ઉપક્રમ છે. આજે નમો પુસ્તક પરબની મેં અને પ્રદેશના સહ પ્રવક્તા કિશોરભાઇ મકવાણા સાથે મુલાકાત લીધી. પુસ્તકના સાનિધ્યની સાથે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ પણ સાંભળ્યો. ખૂબ આનંદ આવી ગયો. લોકોને આજે પણ પુસ્તકો ગમતા હોય છે એ અહીંની મુલાકાત દરમિયાન જોયું. અને મહેશભાઇ કસવાલા અને તેમની પૂરી ટીમ જે ખંતથી-ઉમળકાથી પુસ્તકનો વાંચનનો પ્રેમપૂર્વક પ્રસાદની વહેંચી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here