અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું રાષ્ટ્રપતિ  રામનાથ કોવિંદજીના હસ્તે ઉદ્ઘાટન…

 

                                   આજે 24 ફેબ્રુઆરીના અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું રાષ્ટ્રપતિ કોવિંદજીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.વિશ્વનું આ સૌથી મોટું સ્ટેડિયમ હવેથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામે ઓળખાશે. આજથી ભારત- ઈંગ્લેન્ડ વચ્ચેની ડેૃ નાઈટ ટેસ્ટ મેચની શરૂઆત થઈ રહી છે. ગત 24 ફેબ્રુઆરીના અમેરિકાના તત્કાલીન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અહીં આવ્યા હતા. આ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અતિ આધુનિક ઉપકરણોથી સજ્જ મોટેરા સ્ટેડિયમ જગતના અન્ય ક્રિકેટ સ્ટેડિયમો કરતાં અનોખું છે. પહેલા જૂના સ્ટેડિયમમાં 53,000 દર્શકોની ક્ષમતા હતી, જે હવે એક લાખ, 30 હજાર પ્રેક્ષકો સુધીની બની ગઈ છે. આ સ્ટેડિયમનું રિનોવેશન કરીને તેની ક્ષમતા વધારવામાં આવી હતી. નરેન્દ્ર મોદી જયારે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના ચેરમેન હતા ત્યારે તેમનું સ્વપ્ન હતું કે આ ક્રિકેટ સ્ટેડિયમને એટલું વિશાળ બનાવવામાં આવે કે તેની ગણના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે થાય. તેમનું આ સ્વપ્ન પૂરું થયું છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ સ્ટેડિયમ તૈયાર થતાં દેશમાં ગુજરાતનું ગૌરવ વધ્યું છે.