અમદાવાદઃ ૧૪૪મી રથયાત્રા સમય પહેલા સંપન્ન, ત્રણેય રથ  નિજમંદિર પહોંચ્યા

 

અમદાવાદઃ અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રા સંપન્ન થઈ છે. રથ નિજમંદિર પરત ફર્યા છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ રથયાત્રા પૂર્ણ થયાં બાદ જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રથયાત્રા મર્યાદિત લોકો સાથે સંપન્ન કરવામાં આવી છે.  કોરોના મહામારીમાં લોકોની શ્રદ્ધાની સાથે સ્વાસ્થ્યનું પણ જતન થાય તે માટે પ્રોટોકોલનાં આધારે નીકળેલી રથયાત્રા સમગ્ર નગરની અંદર ૨૦ કિલોમીટરની પરિક્રમા કરીને ભગવાન નિજ મંદિર પરત આવી ગયા છે.

તેમણે કહ્યું કે, ફરી એકવાર જગતના તાત એવા જગન્નાથનાં ચરણોમાં પ્રાર્થના છે કે, આગામી વર્ષમાં આપણને કોરોનાની મહામારીમાંથી મુક્તિ આપે અને આગામી ચોમાસું ઉત્તમ રહે. તેમણે મંદિરનાં મહારાજ દિલીપદાસજી, મંદિરનાં ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને આ આયોજન સાથે સંકળાયેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.