અભિનેત્રી નીના ગુપ્તા દિલ ખોલીને પોતાની હકીકત બયાં કરે છેઃ જો મને ફિલ્મ બધાઈ હોમાં ભૂમિકા ભજવવા ના મળી હોત તો….

0
1473

 

      ટેલિવિઝન સિરિયલ બુનિયાદથી અભિનયના ક્ષેત્રમાં પગ મૂકનાર પ્રતિભાસંપન્ન અભિનેત્રી નીના ગુપ્તા અનેક હિન્દી ફિલ્મોમાં પણ યાદગાર ભૂમિકાઓ ભજવી ચૂકી છે, પણ નવા વિષયો, નવી વાર્તાઓ, નવી ટેકનોલોજીનો ઉપયોગ અને નવી પેઢીના યુવા કલાકારો- કસબીઓ- આ બધાની સાથે તાલમેલ રાખવો અઘરો છે. વળી દરેક કલાકાર રોલ મેળવવા માટે ઈન્ડસ્ટ્રીના વગદાર લોકોના  તેમજ નિર્માતા – નિર્દેશકોના સતત સંપર્કમાં રહે તો એને કશું ને કશું કામ મળતું રહે છે. પરંતુ નીના ગુપ્તા જેવા અનેક કલાકારો છે કે, જેઓ બોલીવુડના માંધાતાઓ પાસે જઈને વારંવાર કામ માટે માગણી નથી કરતાહોતા. કેટલીક આંતરમુખી પ્રતિભાઓ એ બધું કરવાનું રુચતું નથી. નીના ગુપ્તાએ તાજેતરમાં એક ન્યૂઝ એજન્સીને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, ફિલ્મ બધાઈ હો બાદ મને ફિલ્મોમાં ઘણા મોટા રોલ ઓફર થયા છે. પરંતુ જો ફિલ્મ બધાઈ હો ના ચાલી હોત તો મને કોઈ રોલ ના મળત. હવે ફિલ્મ એક બિઝનેસ છે. એ માટે સહુના મનમાં સ્પષ્ટ ચિત્ર છે. કોઈ ઈમોશનલ નથી. બધાઈ હો ફિલ્મ પહેલાં મારી પાસે કોઈ ફિલ્મ કે સિરિયલનું કામ નહોતું. હું ઘણા લાંબા સમયથી કામ વગર બેસી રહી હતી. હું અનેક લોકોને મળતી પણ બધા મને રિસ્પેક્ટ આપતા, કામની વાત કોઈ કરતું નહિ. 

     નીના ગુપ્તા બધાઈ હો, મુલ્ક અને વીરે દી વેડિંગ  ફિલ્મોમાં કામ કરી ને ઘણી ખુશ છે. તેમને બધાઈ હો માટે બેસ્ટ એકટ્રેસનો ક્રિટિકસ એવોર્ડ પણ મળ્યો છે. કંગના રનૌતની આગામી ફિલ્મ પંગા અને આયુશ્માન ખુરાનાની ફિલ્મ શુભ મંગલ જ્યાદા સાવધાનમાં નીનાજી ભૂમિકા ભજવી રહ્યા છે.