
બુધવારે 3 માર્ચના ઈન્કમ ટેકસ વિભાગે બોલીવુડની જાણીતી અભિનેત્રી તાપસી પન્નુ, નિર્માતા અનુરાગ કશ્યપ અને જાણીતા ફિલ્મ નિર્માતા મધુ મન્ટેનાની ઓફિસ તેમજ ઘર પર ઓચિંતા દરોડા પાડ્યા હતા. કેટલાક અહેવાલમાં જણાવ્યા અનુસાર, અનુરાગ કશ્યપ પાસે 806 કરોડની સંપત્તિ છે, જયારે તાપસી પન્નુ પાસે 44 કરોડની મિલકત છે. તાપસી પન્નુ વર્ષમાં ઓછામાં ઓછા 4 કરોડ રૂપિયા કમાય છે. આથી તેમની માસિક આવક 30 લાખ રૂપિયા જેટલી થતી હોવાનું મનાય છે. 2019- 2020 દરમિયાન તાપસી પન્નુ એક ફિલ્મના 8 કરોડ રૂપિયા ફી લેતી હતી. જયારે જુદી જુદી 10 બાન્ડના એન્ડોર્સમેન્ટ માટે તેને આશરે 2 કરોડ રૂપિયાની આવક મળતી હતી. તેલુગુ ફિલ્મોમાં કામ કર્યા બાદ તાપસીએ બોલીવુડની ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો. 2013માં તેની પહેલી ફિલ્મ ચશ્મે બદ્દદુર રિલિઝ થઈ હતી. ત્યારબાદ તાપસીએ બેબી, સાંડ કી આંખ, મિશન મંગલ, મનમર્જિયાં, થપ્પડ વગેરે ફિલ્મોમાં ભૂમિકા ભજવી હતી. તેની આગામી ફિલ્મોમાં હસીન દિલરુબા, લુપલપેટા, રશ્મિ રોકેટ અને શાબાશ મિઠ્ઠુનો સમાવેશ થાય છે. એક અધિકૃત વેબસાઈટ દ્વારા મળેલી માહિતી અનુસાર, અનુરાગ કશ્યપ જરા અલગ પ્રકારના વિષયો લઈને ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. એક ફિલ્મનું નિર્દેશન કરવા માટે તેઓ 11 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેમની એક વરસની આવક આશરે 60 કરોડ રૂપિયાથી વધુ છે. અનુરાગ કશ્યપ પાસે આશરે 4 કરોડ રૂપિયાની કિંમતની લકઝરી મોટર કારો છે. તેઓ દર વરસે 9 કરોડ રૂપિયાથી વધુ ટેકસ ભરે છે. અનુરાગ કશ્યપે બ્લેક ફ્રાઈડે, ગુલાલ, ગેન્ગસ ઓફ વાસીપુર અને બોમ્બે વેલ્વેટ વગેરે ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું.
મધુ મન્ટેના પણ બોલીવુડના જાણીતા નિર્માતા છે. તેમણે નિર્માણ કરેલી અનેક ફિલ્મો બોકસ ઓફિસ પર સદંતર નિષ્ફળ ગઈ હતી. આમ છતાં તેમણે તાજેતરમાં 500 કરોડ રૂપિયાના ખર્ચે રામાયણ અને મહાભારતનું વિવિધ ભાષામાં નિર્માણ કરવાની જાહેરાત કરી હતી.