અભિનેતા-દિગ્દર્શક સતીશ કૌશિકનું નિધન

 

મુંબઇઃ જાણીતા અભિનેતા અને દિગ્દર્શક સતીશ કૌશિકનું ગુરૂવારે વહેલી સવારે નિધન થયું હતું. તેમણે ૬૬ વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. અભિનેતા અનુપમ ખેરે ટ્વિટ કરીને તેમના નિધનની જાણકારી આપી હતી. અનુપમ ખેરે ટ્વિટ કર્યું હતું કે, હું જાણું છું ‘મૃત્યુ આ દુનિયાનું અંતિમ સત્ય છે!’ પણ મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે હું જીવતો રહીને મારા ખાસ મિત્ર સતીશ કૌશિક વિશે આ લખીશ. ૧૩ ઍપ્રિલ, ૧૯૬૭ના રોજ હરિયાણાના મહેન્દ્રગઢમાં જન્મેલા સતીષની ફિલ્મી કરિયર ખૂબ જ ઉતાર-ચઢાવ ભરેલી રહી હતી. ઍનઍસડી અને ઍફટીઆઈઆઈમાં અભ્યાસ કર્યા પછી સતીષને પોતાની કરિયર માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. ૧૯૮૦ની આસપાસ ફિલ્મોનો સંઘર્ષ શરૂ થયો. ૧૯૮૭ની ફિલ્મ ઁ‘મિસ્ટર ઈન્ડિયા’ના કેલેન્ડર રોલથી ઓળખ મળી હતી. સતીષ કેલેન્ડર બનીને સર્પોટિંગ રોલ માટે બોલિવૂડની નવી પસંદગી બની ગયા હતા પરંતુ તે પહેલાં સતીષે ડાયરેક્શનમાં પણ કોશિશ કરી હતી. ૧૯૮૩માં શેખર કપૂરની ફિલ્મ ‘માસૂમ’માં સહાયક દિગ્દર્શક તરીકે પણ કામ કર્યું હતું. સતીષે ઘણી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું હતું અને ઘણી અદ્ભુત ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું હતું.