
એકશન ફિલ્મો માટે અતિ જાણીતા અભિનેતા, સિંઘમ ફિલ્મમાં બહાદુર પોલીસ ઈન્સ્પેકટરની ભૂમિકા ભજવીનો લોકપ્રિય બનેલા અજય દેવગણ ટેનિસ એલ્બોની બીમારીનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં અજય તેમની આગામી ફિલ્મ ટોટલ ધમાલના શૂટિંગમાં વ્યસ્ત છે. મહાન ક્રિકેટર સચીન તેંડુલકરનો પણ ભૂતકાળમાં આ બીમારી થઈ હતી. અભિનેતા અનિલ કપુરને પણ થોડા સમય પહેલાં આ બીમારી થઈ હતી. જેની સારવાર તેમણે જર્મની જઈને કરાવી હતી. આથી અનિલે અજયને પણ જર્મની જઈને સારવાર કરાવવાની સલાહ આપી છે. આ બીમારી દરમિયાન દર્દીને કોણીમાં ભારે પીડા થાય છે. કોણીના હાડકા તેમજ સ્નાયુ પર વધારાનું દબાણ પડવાને લીધે આ દુખાવો થાય છે. મોટેભાગે રમતગમતના ખેલાડીઓ અને વધુ શારીરિક મહેનત કરનારા યુવાનોના સ્નાયુઓ ખેંચાઈ જવાને કારણે કોણી પર સોજો આવી જાય છે. એને ટેનિસ એલ્બો કહે છે.