‘અફવા’ હવે વોટ્સએપના સહારે ફેલાવાય છે

0
1305

આપણી એક પૌરાણિક કથા છેઃ શિવજીએ એક રાક્ષસને વરદાન આપી દીધું કે તે જેના મસ્તક ઉપર હાથ મૂકે તે બળીને ભસ્મ થઈ જશે… વરદાન મળતાં જ રાક્ષસ શિવજીના મસ્તક ઉપર હાથ મૂકવા પાછળ પડ્યો… આખરે ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપમાં આવીને રાક્ષસને નૃત્ય માટે લલચાવીને પોતાના જ મસ્તક ઉપર હાથ મુકાવી ભસ્માસુરનો નાશ કર્યો. વરદાનરૂપે મળતી ટેક્નોલોજી પણ આ ભસ્માસુર જેવી છે! પ્લાસ્ટિકની શોધ આશીર્વાદરૂપે મળી અને આજે અભિશાપ બની રહી છે, કારણ કે તેનો ઉપયોગ સંતુલિત નથી.
આ જ વાત આજે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી – માહિતી પ્રસારણને લાગુ પડે છે. એક જમાનો હતો જ્યારે (લેન્ડલાઇન) ટેલિફોન મેળવવાના સાંસા હતા. આજે મોબાઇલ ફોન દરેક માટે હાથવગું સાધન નહિ, હથિયાર બની ગયા છે! ખૂબ જ ઉપયોગી સાધન છે, પણ વિકાસ થતો ગયો અને વિનાશના વિકલ્પ પણ ખૂલતા ગયા. ગેરઉપયોગ, દુરુપયોગ પણ વધવા લાગ્યો. આજે વોટ્સએપના ઘોર દુરુપયોગની ચર્ચા છે. દુનિયાઆખીમાં ચિંતા છે અને નિયંત્રણો મૂકવાની માગ ઊઠી છે.
આપણા વડીલો બાળકોને સુવાડવા માટે બીક બતાવતા હતા – જલદી સૂઈ જા, નહિ તો બાવો આવશે…! હવે આવા બાવાના નામે દસ રાજ્યોમાં ઓછામાં ઓછા 31 નિર્દોષ લોકોના જાન ટોળાંશાહીની હિંસાએ લીધા છે! અગાઉ આપણે અફવા કહેતા – તે હવે વોટ્સએપના સહારે ફેલાવવામાં આવે છે. કોઈ અજાણી વ્યક્તિ – મુસાફર અથવા સાધુ – ભિક્ષુક દેખાય તેને નિશાન બનાવીને સંદેશા વહેતા થાય છે કે બાળકોને ઉઠાવી લેવા આવ્યો છે – સાવધાન. પકડો એને! અને ટોળાંશાહી શરૂ થાય છે. ઝારખંડમાં સાત, તામિલનાડુમાં ત્રણ અને તેલંગણ, ત્રિપુરા, કર્ણાટક, આસામ, બંગાળ, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પણ આવી હિંસાએ નિર્દોષોના ભોગ લીધા છે.
આવી હિંસોખોરીના વાયરાથી સરકાર ચોંકી ઊઠી છે. કેન્દ્ર સરકારના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી રવિશંકરને ફેસબુક – જેના હસ્તક વોટ્સ એપ છે – તે કેલિફોર્નિયાસ્થિત કંપનીના માલિકે ખાતરી આપી છે કે ટેક્નોલોજીના વિનાશક દુરુપયોગ પર નિયંત્રણ મૂકવાનાં પગલાં હવે લેવાયાં છે અને વધુ લેવાઈ રહ્યાં છે.
વોટ્સએપ ઉપરથી ખોટા-જુઠ્ઠા સમાચાર – ફેક ન્યુઝ પ્રસારિત કરવાનો ધંધો ભારે સ્પર્ધાત્મક અને ધીકતો ધંધો બની ગયો છે. જે કોઈ આ રીતે સફળતાથી સમાચાર વાયુવેગે પ્રસરાવી શકે તેને સારી મબલક કમાણી થાય છે.
મૂળ તો વર્ષ 2008માં અમેરિકી પ્રમુખની ચૂંટણી વખતે બરાક ઓબામા ફરીથી ચૂંટાય નહિ તે માટે આવા કુપ્રચારની શરૂઆત થઈ! ઓબામા છૂપા મુસ્લિમ છે, – અમેરિકામાં જન્મ થયો નથી વગેરે વાતો – અફવા ફેલાવાઈ. ટ્રમ્પે પણ પૂરો ઉપયોગ અને લાભ લીધો અને ત્યારથી જનમત જગાવવા માટે આવો ઉપયોગ શરૂ થયો. ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામનો વ્યાપ વધ્યો અને આ નકલી – જૂઠા સમાચારના કારણે પ્રામાણિક મિડિયાની વિશ્વનીયતા ઘટવા લાગી.
આજકાલ આપણે હિટલરનું નામ વધુ સાંભળીએ છીએ – હિટલરનો પ્રચારપ્રધાન – ગોબેલ્સ હતો, એક અસત્ય-જુઠ્ઠાણું એકસો વખત બોલો એટલે એ સત્ય બની જાય છે – આ તેનો સિદ્ધાંત હતો! હવે જુઠ્ઠાણાંનો પ્રચાર એકસો વખત નહિ – હજ્જારો વખત થવા લાગ્યો છે! અને રૂપાળું નામ છેઃ સોશિયલ મિડિયા – જે હવે એન્ટિ-સોશિયલની ભૂમિકામાં છે. વોટ્સએપ – સોશિયલ મિડિયા – એક (અદ્)ભૂત આકાશવાણી! છે. ક્યાંથી આવે છે? કોણ બોલે છે? જવાબદાર કોણ? આ મિડિયાનું કામ જનમતનો પરપોટો સર્જવાનું છે. આવા જનમતના નામે સર્વે-મોજણી થાય છે અને લોકો તેને સત્ય માની બેસે છે.
આવા મિડિયાના સર્જક-સંચાલકો વચ્ચે સ્પર્ધા હોય છે. કોઈ પણ અફવા – કોણ તાત્કાલિક પ્રસારિત કરી શકે છે તે મહત્ત્વનું છે – અને તેના આધારે તેની કમાણી થાય છે. બાળકોને ઉઠાવી જવાની અફવા તો એક સેમ્પલ બની રહે છે અને તેના પરિણામના આધારે રાજકીય નેતાઓ પોતાના વ્યૂહ નક્કી કરી શકે છે! રાજકીય પક્ષો અને નેતાઓ ચૂંટણી વખતે આવી સંસ્થા – એજન્સીઓનો કેવો ઉપયોગ કરે છે તેની વિગતે ઝકરબર્ગનું નામ ગાજ્યું હતું તે યાદ કરો!
ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી રવિશંકરે ફેસબુક – વોટ્સએપના માલિકને પત્ર લખીને તાત્કાલિક નિયંત્રણ મૂકવાની માગણી કરી ત્યારે એમણે નિયંત્રણનાં પગલાં તો શરૂ કર્યાં, સાથે એમ પણ જણાવ્યું કે સરકાર, નાગરિકો અને ટેક્નોલોજી-નિષ્ણાતોએ સામૂહિક પગલાં ભરવાની જરૂર છે – વોટ્સએપ ઉપર સંદેશા બ્લોક કરશે અને ગ્રુપમાં સંદેશા કોણ મોકલે છે તેની તપાસ રાખશે. આ ઉપરાંત ‘ફોરવર્ડ – આગે ભેજો – સંદેશાની નોંધ અપાશે. આના પરિણામે સંદેશા ફોરવર્ડ કરતાં પહેલાં વ્યક્તિ બે બાબત વિચાર કરશે. સંદેશામાં શું છે તે જાણી શકાય નહિ, છતાં કેટલી ઝડપથી વાયરલ થાય છે તે પકડી શકાશે.
વોટ્સએપના વપરાશકારો ગ્રુપ શા માટે બનાવે છે તે જણાવવું પડશે.
વોટ્સએપ ઉપર પ્રસારિત થતી અફવાઓ રોકવા-ડામવા માટે સ્થાનિક પોલીસતંત્રે સાવધાન રહેવાની અને ટોળાં ભેગાં થાય તે પહેલાં રોકવાની વ્યવસ્થા કરવી જોઈએ. આ બાબત આપણા પોલીસતંત્ર માટે નવી છે, પણ સજ્જ થવું પડશે. ચૂંટણીમાં ઉમેદવારો પોતાના પ્રતિસ્પર્ધી વિરુદ્ધ મિડિયામાં પ્રચાર કરતા હોય છે. ચૂંટણીપંચે પ્રચારખર્ચની મર્યાદા નક્કી કરી હોવાથી પેઇડ ન્યુઝ અપાય ત્યારે પ્રેસ કાઉન્સિલ અને ચૂંટણીપંચ દ્વારા તપાસ થાય છે, પણ સોશિયલ મિડિયામાં જુઠ્ઠાણાં ફેલાવવાનો સરળ વિકલ્પ છે. ચૂંટણીપંચે હવે તે સામે પગલાં ભરવાની શરૂઆત કરી છે. તેથી કર્ણાટકમાં હિંસા ફેલાવવાનો પ્લાન સફળ થયો નહિ. હવે ચાર રાજ્યોની વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણીઓ માટે સાવધાન છે.
તાજેતરમાં દક્ષિણ કોરિયાના સોલમાં ફેસબુકના ગ્લોબલ મેનેજર કાટીહારબાથે આપણા ચૂંટણીપંચના કમિશનર ઓ. પી. રાવતને ખાતરી આપી છે કે ભારતની ચૂંટણી દરમિયાન કડક જાપ્તો રખાશે. સ્વૈચ્છિક પગલાં લેવાશે અને વોટ્સએપ ઉપર ઓટોમેટિક ફેક્ટ ચેક-પોસ્ટની વ્યવસ્થા થશે.
આમ, હવે આ ભસ્માસુર ખતમ થશે કે નહિ તે આપણે જાણતાં નથી, પણ અંકુશમાં આવે તે આપણી લોકશાહી માટે જરૂરી છે…

લેખક જન્મભૂમિ જૂથના તંત્રી છે.