અફઘાનિસ્તાને અફીણની ખેતી પર પ્રતિબંધ મુક્યો

 

તાલિબાનઃ તાલિબાન સરકારે અફીણની ખેતી પર પ્રતિબંધ મૂકતો નવો હૂકમ બહાર પાડયો હતો. તાલિબાનના સુપ્રીમ લીડર હિબતુલ્લાહ અખુન્દઝાદાએ અફીણની ખેતી અને માદક દ્રવ્યોની હેરાફેરી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો હતો. તાલિબાનના પ્રવકતાએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં દારૂ, હેરોઇનની ગોળીઓ, અફીણ અને હશીશ જેવા નશાના ઉપયોગ પર પ્રતિબંધ છે, વેપાર અને આયાત નિકાસ પર પ્રતિબંધ છે. જો કોઇ આ આદેશનું ઉલ્લંઘન કરશે તો તેને ટ્રાયલ દ્વારા સજા કરવામાં આવશે. વિશ્વના કુલ અફીણ ઉત્પાદનમાં એકલા અફઘાનિસ્તાનનો હિસ્સો ૮૦ ટકા છે. યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ અનુસાર, અફઘાનિસ્તાનમાં ૨૦૧૭માં અફીણનું ઉત્પાદન ૯,૯૦૦ ટન હતું. તેના વેચાણથી ખેડૂતોને લગભગ ૧૦ હજાર કરોડ રૂપિયાની કમાણી થઇ છે. આ દેશની જીડીપીનો ૭ ટકા હતો. તાલિબાનનો આ નિર્ણય પણ આશ્ચર્યજનક છે કારણકે તેના ૮૦,૦૦૦ લડવૈયાઓને ડ્રગ્સના વેપાર દ્વારા ભંડોળ પુરૂં પાડવામાં આવે છે.