અફઘાનિસ્તાનમાં ભૂકંપથી ૨,૦૦૦થી વધુનાં મોત

અફઘાનિસ્તાનઃ અફઘાનિસ્તાનમાં આવેલા ૬.૩ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપને કારણે ૨,૦૦૦ કરતાં વધુ લોકોનાં મોત થયાં હોવા ઉપરાંત ૯,૦૦૦થી વધુ ઘાયલ થયાં હોવાનું વહીવટીતંત્રએ જણાવ્યું હતું. ભૂકંપથી પ્રભાવિત અફઘાનિસ્તાનના પર્વતીય વિસ્તારમાં આ ધરતીકંપ આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું. ભૂકંપનું કેન્દ્રબિન્દુ હેરાત શહેરની વાયવ્ય દિશામાં ૪૦ કિ.મી.ને અંતરે આવેલું હતું. ૬.૩ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ અનુક્રમે ૬.૩, ૫.૫ અને ૫.૩ની તીવ્રતાના આફ્ટરશોક અનુભવાયા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અનુસાર ભૂકંપને કારણે મૃત્યુ પામેલા લોકોનો આંક ૨૦૦૦ને પાર કરી ગયો છે. ડિઝાસ્ટાર ખાતાના પ્રવક્તા મૂલ્લા જનાન સાયેકેએ પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ભૂકંપમાં ૨૦૫૩ લોકોનાં મોત નીપજ્યાં હોવા ઉપરાંત ૯,૨૪૦ લોકો ઘાયલ થયાં હતાં અને ૧,૩૨૯ ઘરો નાશ પામ્યા હતા કે પછી તેને નુકસાન પહોંચ્યું હતું.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર ભૂકંપને કારણે હેરાતમાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. લોકો ઘરમાંથી બહાર નીકળીને રસ્તા પર આવી ગયા હતા. ભૂકંપ બાદ અનેક આફટરશોક પણ અનુભવાયા હતા. પશ્ર્ચિમ અફઘાનિસ્તાનમાં ૬.૩ની તીવ્રતાના ભૂકંપ બાદ આફ્ટરશોકને કારણે ડઝનબંધ લોકોનાં મોત થયાં હતાં.
સાંસ્કૃતિક બાબતોના ખાતાના પ્રવક્તા અબ્દુલ વાહિદ રયાનને કહ્યું હતું કે ભૂકંપને કારણે છ ગામ નાશ પામ્યાં હતાં અને સેંકડો લોકો કાટમાળ હેઠળ દબાઈ ગયા હતા. અસરગ્રસ્તોને તાકીદે મદદ પહોંચાડવાની પણ તેમણે હાકલ કરી હતી. ડિઝાસ્ટર ઓથોરિટીના પ્રવક્તા મોહમ્મદ અબ્દુલ્લાએ કહ્યું હતું કે ભૂકંપ અને આફટરશોકને કારણે હેરાત પ્રાન્તના ઝેન્ડા જન જિલ્લામાં ચાર ગામ નાશ પામ્યા હતા. ભૂકંપને કારણે ટેલિફોન સેવા ખોરવાઈ જતાં અસરગ્રસ્ત વિસ્તારની માહિતી અને પરિસ્થિતિની જાણકારી મેળવવાનું મુશ્કેલ બન્યું હતું.
હેરાત પ્રાન્ત ઈરાનના સરહદી વિસ્તારમાં આવેલો છે. સ્થાનિક પ્રસારમાધ્યમના અહેવાલમાં જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનના ફરાહ અને બડઘિસ પ્રાન્તમાં પણ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. જૂન ૨૦૨૨માં પૂર્વ અફઘાનિસ્તાનના પર્વતીય વિસ્તારમાં આવેલાં ભૂકંપમાં ૧,૦૦૦ કરતાં પણ વધુ લોકોનાં મોત થયાં હોવા ઉપરાંત ૧,૫૦૦ કરતાં વધુ લોકો ઘાયલ થયાં હતાં.