અફઘાનિસ્તાનમાં આંતરવિગ્રહની આશંકાઃ અમેરિકન જનરલ

 

વોશિંગ્ટનઃ તાલિબાનો પંજશીરમાં ભારે પ્રતિકારનો સામનો કરી રહ્યા છે અને તેમની સરકારના ગઠનમાં પણ વિલંબ થઈ રહ્યો છે ત્યારે અમેરિકન જનરલ માર્ક માઇલીએ અફઘાનિસ્તાનમાં આંતરવિગ્રહની આશંકા વ્યક્ત કરી છે. જેને લીધે અલ-કાયદાનું પુનઃ ગઠન અથવા ત્લ્ત્લ્નું કદ વધવાની શક્યતા છે. તાલિબાનોએ અફઘાનિસ્તાનના લશ્કરને હરાવી અણધારી ઝડપે અફઘાનિસ્તાનના ઘણા પ્રાંત પર નિયંત્રણ મેળવ્યું હતું. જોકે, પંજશીરમાં તેમની વિજયકૂચને મોટા પડકારનો સામનો કરવો પડ્યો છે. અહેમદ મસૂદના લશ્કર અને અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહની આગેવાનીમાં તાલિબાનો આ વિસ્તાર પર અંકુશ મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. પંજશીરની લડાઇ ચાલુ છે ત્યારે તાલિબાન અને હક્કાની વચ્ચે સત્તા અંગે મતભેદ સપાટી પર આવ્યા છે, જે સૂચવે છે કે તાલિબાન માટે સત્તા પર કબજો જેટલો સરળ મનાતો હતો એટલો નહીં હોય. અહેવાલમાં જણાવ્યા અનુસાર પંજશીરમાં લગભગ ૬૦૦ તાલિબાનીઓ મોતને ઘાટ ઉતારી દેવાયા છે, જ્યારે ૧૦૦થી વધુ તાલિબાનને પકડી લેવાયા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ તાલિબાને પંજશીર જીતી લીધું હોવાનો દાવો કર્યો હતો પણ ત્યાર પછી તાલિબાનની પીછેહઠના અહેવાલ આવ્યા છે. તાલિબાનના સૂત્રએ જણાવ્યું હતું કે, પંજશીરમાં લડાઇ ચાલુ છે પણ માર્ગમાં બીછાવેલી સુરંગોને કારણે આગળ વધવાની ગતિ ધીમી પડી છે. જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફના ચેરમેન માઇલીએ જણાવ્યું હતું કે, મને લાગે છે કે, વ્યાપક આંતરવિગ્રહની પૂરી શક્યતા છે.

પંજશીરના નેતાઓ વૈશ્વિક સંગઠનોનો સંપર્ક કરી તાલિબાને ઊભી કરેલી માનવીય કટોકટીની માહિતી આપી રહ્યા છે. માઇલીએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાન લશ્કરનો પરાજય બહુ જ અણધારી ગતિએ થયો હતો અને તેને લીધે અફઘાનિસ્તાનની સરકારનું પતન પણ અંદાજ કરતાં વહેલું થયું હતું.